(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૧
ભાજપના દબંગ ધારાસભ્ય વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવના ધમકી પ્રકરણ એટલે કે ચોરી ઉપરથી શીનાજોરીના ઈશ્યુએ રાજયભરમાં ચર્ચા જગાવી છે. મતદારોને ખુલ્લેઆમ ધમકી આપ્યા બાદ પસ્તાવો થવાના કે ફરી આવું નહીં કરવાનો દેખાડો પણ નહી કરીને બીજા જ દિવસે મીડિયાને ધમકી આપી ઝપાઝપી કરવાના બનાવે તો મતદારોમાં એક જાતની ફિટકાર ઉભી કરી છે. જેને પગલે ચૂંટણીપંચ દ્વારા મધુ શ્રીવાસ્તવને શો-કોઝ નોટિસ ફટકારતા આખરે આ દબંગ ધારાસભ્યની શાન ઠેકાણે આવીહોય તેમ આજે તેમણે ચૂંટણી પંચને લેખિતમાં ખુલાસો આપ્યો હતો. ખુલાસામાં અઠંગ રાજકારણીની જેમ પોતાની ધમકી મુદ્દે ફેરવી નાંખ્યું હતું.
વાઘોડિયા વિસ્તારમાં લોકસભા ચૂંટણીની ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં જાહેરમાં ખુલ્લેઆમ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને દાદાગીરીપૂર્વક ઠેકાણે પાડી દેવાની ધમકી આપતા તેના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આ ઘટના અંગે ઉહાપોહ થતા ચૂંટણીપંચે દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને શો-કોઝ નોટિસ ઈશ્યુ કરી ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. જેને પગલે મીડિયા ટીમ તેમની પ્રતિક્રિયા મેળવવા જતા મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે ઝપાઝપી કરી તેમને ઓફિસમાંથી બહાર કાઢી ધમકી આપતા ફરી ઉહાપોહ થવા પામ્યો હતો.
દરમ્યાન મધુ શ્રીવાસ્તવે આજે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી અને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીને ચૂંટણીપંચની નોટિસ અંગેનો લેખિતમાં ખુલાસો આપ્યો હતો. ખુલાસામાં તેમણે ધમકી આપ્યાથી ફરી જઈ ફેરવી તોળતા જણાવ્યું છે કે, જે લોકો ગેરકાયદેસર રીતે વસે છે. જેમને બધી જ સુવિધાઓ મળે છે તેમને ઠેકાણે પાડી દેશે એટલે કે તેમને કાયદેસર કરી નાખવાની વાત કરી છે. ધારાસભ્યના આ ખુલાસા અંગે હવે ચૂંટણીપંચ આગળ શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેશે. ધારાસભ્ય દ્વારા ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ખુલાસો અપાતા અને તપાસ દરમ્યાન ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા ચૂંટણી આચારસંહિતનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું હોવાના અહેવાલને પગલે હવે આ કેસમાં મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ આચારસંહિતા ભંગનો વિધિવત્‌ ગુનો કે ફરિયાદ દાખલ કરાય તેવી પૂરી શકયતા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવ સામે જો વિધિવત્‌ ફરિયાદ દાખલ થાય તો તેમની અને ભાજપની મુશ્કેલી વધી શકે છે. આ સાથે જ આચારસંહિતાનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થતાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને જણાવ્યું હતું કે, મતદારોને ધમકી આપતાં મધુ શ્રીવાસ્તવનો આ વિડિયો વાયરલ થયો અને અમારા હાથમાં આવ્યો ત્યારબાદ તરત જ અમે તે અંગે તપાસ કરવાની સૂચના વડોદરાના કલેક્ટરને આપી દીધી હતી. તેમનો તપાસ અહેવાલ મળ્યા બાદ મધુ શ્રીવાસ્તવ સામે પગલાંની કાર્યવાહી થઇ શકશે.