(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૦
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ઘડીમાં પહોંચ્યો છે. હવે આવતીકાલે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારે ભાજપ કોંગ્રેસના પ્રચારકો વધુમાં વધુ બેઠકો પર પ્રચાર કરવા ગુજરાત ખુંદી રહ્યા છે. આજરોજ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતલ અને વરિષ્ઠ નેતા મધુસુધન મિસ્ત્રીએ મોડાસામાં જાહેરસભા સંબોધી હતી. જેમાં મધુસુધન મિસ્ત્રીએ વડાપ્રધાનને પડકાર ફેંકયો હતો કે અમે સાબરકાંઠા લોકસભા બેઠક જીતી વડાપ્રધાન મોદીનું નાક કાપીશું.
કોંગ્રેસે મોડાસમાં ભાજપ કાર્યાલયની સામે જ કોંગ્રેસની જાહેરસભાનું આયોજન કરી ભાજપને લલકાર કર્યો હતો. આ સભામાં શત્રુધ્નસિંહા ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ અગમ્ય કારણોસર તેઓ આવી ન શકતા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને મધુસુધન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. મધુસુધન મિસ્ત્રીએ સભા સંબોધી ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી પત્રકારોને સંબોધ કરતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા બેઠક કોંગ્રેસ જીતીને નરેન્દ્ર મોદીનું નાક કાપીશું તેવો દાવો કર્યો હતો. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે સભાને સંબોધતા સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેમ જણાવી ગણપત વસાવાએ રાહુલ ગાંધી અંગે કરેલા નિવેદનને લઈને પલટવાર કર્યો હતો, અને ભાજપની માનસિકતા સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના વિજય વિશ્વાસ જાહેર સંમેલનમાં પ્રભારી રાજીવ સાતવ અને મધુસુધન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા પાસ ટીમના કન્વીનર અને સહકન્વીર સહિત પાસના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા અને રામોસ તાલુકા પંચાયત ભાજપ સીટના કાર્યકરોએ પણ કેસરીયો ખેસ ઉતારી કોંગ્રેસના પંજાનો હાથ પકડતા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરનું પલડું ભારે થતું જોવા મળી રહ્યું છે. મોડાસામાં કોંગ્રેસે ભાજપ કાર્યાલય સામે જ સભાનું આયોજન કરી જાણે ભાજપને લલકાર ફેંકવાનો પ્રયત્ન કર્યો હોત તેવો નજારો જોવા મળ્યો હતો.