Ahmedabad

મધ્યાહ્ન ભોજન યોજનામાં હવે બાળકોને મળશે પ્રોટીનયુક્ત નાસ્તો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૧
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અપાતશ મધ્યાહ્ન ભોજનમાં થોડો ફેરફાર કરવા સાથે બાળકોને વધુ એક સમય નાસ્તો આપવામાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. કૂપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તેવા આશય સાથે પ્રોટીનયુક્ત નાસ્તો આપવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે મુજબ સમગ્ર સપ્તાહનું ભોજન-નાસ્તાનું મેનુ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે.
આ નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓને અગાઉ મધ્યાહ્ન યોજના અંતર્ગત ભોજનની અપાતી વાનગીઓમાં ફેરફાર કરીને વધુ પોષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ આપવાની સાથે નાસ્તામાં પ્રોટીનયુક્ત વાનગીઓ હવેથી આપવામાં આવશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અગાઉ શિક્ષણ વિભાગ તથા મધ્યાહ્ન ભોજન શાખાના ઉચ્ચ અધિકારીઓ તથા ન્યુટ્રીશિયન તજજ્ઞોની અવાર-નવાર બેઠક પણ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને વધુ પોષ્ટિક આહાર મળી રહે તેવું નક્કી કરાતા શિક્ષણ વિભાગે મધ્યાહ્ન ભોજન યોજનામાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. આ યોજનાનો રાજ્યના ૪૦ લાખ વિદ્યાર્થીને લાભ મળશે. આ ફેરફાર અંતર્ગત ભોજનમાં થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દૂધી-ચણાનું શાક, દાળ ઢોકળી, વેજીટેબલ પુલાવ, મુઠિયા વગેરેનો પ્રથમ ભોજનમાં સમાવેશ કરાયો છે. જ્યારે નાસ્તામાં ચણા, સુખડી, મુઠિયા, મિક્સ દાળ અને કઠોળ આપવામાં આવશે. ન્યુટ્રીશિયન તજજ્ઞોની બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર અઠવાડિક મેનુ નક્કી કરીને ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર દ્વારા પોષણયુક્ત વાનગીઓ સાથેના મેનુની ડિઝાઈન શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કરતા શિક્ષણ વિભાગે જરૂરી વિચાર વિમર્શ બાદ ગતરોજ તા.૩૦મી એ ઠરાવ કરી મંજૂરી પણ આપી દીધી છે.