અમદાવાદ, તા.૧
મહાસત્તા અમેરિકાને પોતાના શસ્ત્રોનો ઉદ્યોગ ધમધોકાર ચાલતો રહે તે માટે મધ્યપૂર્વના (મીડલ ઈસ્ટ) દેશોમાં યુદ્ધ ચાલે તેમાં જ રસ છે, શાંતિ સ્થપાય તેમાં નહી, જો યુદ્ધ ચાલતુ રહે તો જ શસ્ત્રોનો વેપાર થાય પરંતુ આ યુદ્ધથી મધ્યપૂર્વના ગરીબ અને સામાન્ય પ્રજાનો મરો થઈ રહ્યો છે. અને આ દેશો ભયંકર ખુવારીનો સામનો કરી રહ્યા છે. તેમના બાળકોનું ભવિષ્ય ધૂંધળુ બની રહ્યું છે. એમ મીડલ ઈસ્ટમાં શરણાર્થીઓના માનવ અધિકારો માટે કામ કરતા કર્મશીલ ફાધર સેડ્રિક પ્રકાશે ખૂબ જ દુઃખ અને ચિંતાભર્યા સ્વરમાં જણાવ્યું હતું.
મિડલ ઈસ્ટમાં હાલ ચાલી રહેલા જંગને લીધે લાખો શરણાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે આવા શરણાર્થીઓના માનવ-અધિકારોનું રક્ષણ અને અને તેમની સાથે કોમ્યુનિકેશન કરવા માટે બે વર્ષ સુધી મિડલ ઈસ્ટમાં રહી કામ કરી ચૂકેલા હ્યુમન રાઈટ્‌સ એક્ટિવિસ્ટ ફાધર સેડ્રિક પ્રકાશ અત્યાર સુધી ૩ લાખ શરણાર્થીઓ માટે કામ કરી ચૂક્યા છે. હવે ફરી પાછા એક વર્ષ માટે મિડલ ઈસ્ટમાં શરણાર્થીઓના માનવઅધિકારના રક્ષણ માટે જઈ રહ્યા છે. ત્યારે ફાધર સેડ્રિક પ્રકાશે ‘ગુજરાત ટુડે’ સાથે ખાસ વાતચીત કરી હતી.
ગુજરાત ટુડે સાથેની વાતચીતમાં હ્યુમન રાઈટસ એક્ટિવિસ્ટ ફાધર સેડ્રિક પ્રકાશે જણાવ્યું હતું કે જેસ્યુટ રેફ્યુજી સર્વિસ નામની સંસ્થા સાથે જોડાઈને છેલ્લા બે વર્ષથી સિરિયા, લેબેનોન, તુર્કી, ઈરાક અને જોર્ડનમાં શરણાર્થી માટે કામ કરી રહ્યો છું. ખાસ કરીને ઈરાક અને સિરિયામાં સિવિલ વોર ચાલે છે. જેના લીધે સિરિયાથી નાસીને લોકો લિબિયા અને લેબેનોન આવે છે. પોતાની માલ-મિલકત છોડીને આવેલા શરણાર્થીઓ માટે અમારી સંસ્થા દ્વારા કેમ્પ લગાવી તેમના બાળકો માટે સ્કૂલો, ક્લિનીક દ્વારા સારવાર અને ફૂડ કિટ્‌સનું વિતરણ કરવામાં આવે છે. તદ્‌ઉપરાંત શરણાર્થીઓના ઉત્થાન માટે તેમને સ્કીલ ટ્રેઈનિંગ આપવાની સાથે સાથે સિવિલ વોરથી ડિપ્રેશનમાં આવી ગયેલા લોકો માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. અત્યાર સુધી ૩ લાખ શરણાર્થીઓના માનવઅધિકારોના રક્ષણ માટે અને તેમના પુનઃઉત્થાન માટે કામ કર્યુ છે. આ શરણાર્થીઓમાં બાળકો અને મહિલાઓની સ્થિતિ દયનીય છે. અમારી સંસ્થા શરણાર્થીઓ માટે મિડલ ઈસ્ટમાં પાંચ વર્ષથી કામ કરી રહી છે.
સિવિલ વોરથી પ્રભાવિત વિસ્તારોમાં કામ કરવું એટલે જીવનું જોખમ હોય છે ત્યારે તમને કોઈ કડવો અનુભવ થયો છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ફાધર સેડ્રિક પ્રકાશે કહ્યું હતું કે તાજેતરમાં તા.ર જુલાઈએ જ્યારે હું સિરિયાના દમાસ્કસની એક શરણાર્થી બાળકોની શાળાની વિઝીટમાં હતો ત્યારે પ૦૦ મીટર દૂર બોમ્બ ફૂટ્યો હતો જેના લીધે નાસ-ભાગ થઈ ગઈ હતી જો કે અમને અમારા જીવની ચિંતા થાય પરંતુ શરણાર્થીઓ માટે જોખમ લઈને પણ કામ કરીએ છીએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે યુનોના આદેશને અવગણીને ઈઝરાયેલ પેલેસ્ટાઈન પર વારંવાર હુમલા કર્યા કરે છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધથી તદ્દન ગરીબ અને સામાન્ય વર્ગના લોકોનો મરો થાય છે. તેમના બાળકોનું ભવિષ્ય જોખમાય છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ થવાથી અમેરિકાની હથિયાર બનાવવાની ઈન્ડસ્ટ્રીઝ ચાલે તેમાં જ અમેરિકાને રસ છે. એટલે અમેરિકા તો એવું જ ઈચ્છશે કે યુદ્ધ ચાલતા રહે તો તેમની હથિયારોની ઈન્ડસ્ટ્રીઝ પણ ચાલતી રહેશે.
વધુમાં તેમણે શરણાર્થીઓના મુદ્દે જણાવ્યું હતું કે ભારતમાં ઈન્દિરા ગાંધીના શાસન વખતે બાંગ્લાદેશના શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપવામાં આવ્યો હતો તેવી રીતે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોને પણ ભારતમાં શરણાર્થી તરીકે આશ્રય આપવો જોઈએ.
અંતમાં માનવ અધિકારોના કર્મશીલ ફાધર સેડ્રિક પ્રકાશે કહ્યું હતું કે બે વર્ષ સુધી મિડલ ઈસ્ટમાં સેવા કર્યા બાદ પરત ભારતમાં એક મહિનાની રજા ઉપર આવ્યો હતો. હવે તા.ર સપ્ટેમ્બરે પાછો મિડલ ઈસ્ટના લેબેનોન ખાતે એક વર્ષ માટે જઈ રહ્યો છું. જ્યાં શરણાર્થીઓના માનવઅધિકારો માટે ફરી કામ કરીશ. બીજાને બચાવવા કોઈએ તો જીવનું જોખમ લેવું પડશે ત્યારે હું જીવના જોખમે પણ શરણાર્થીઓના માનવઅધિકારીઓનું રક્ષણ કરીશ.