(એજન્સી) ચેન્નાઈ, તા.૨૧
આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ અનામતના અનુસંધાને મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી ૧૮ ફેબ્રુઆરી સુધી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ડીએમકે પક્ષે સરકારના નિર્ણયને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જેના પગલે કોર્ટે નોટિસ મોકલાવી હતી. અરજીમાં જણાવાયું છે કે, સરકારનો નિર્ણય બંધારણના મૂળ માળખાની વિરૂદ્ધ છે. ડીએમકેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, અનામત આપવાનો ઉદ્દેશ્ય ગરીબોને મદદ કરવાનો ન હતો, પણ અનામત સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખી આપવામાં આવેલ છે. પછાત જાતિના ઉત્થાન માટે અનામત લાગુ કરાઈ હતી. પછાત જાતિના લોકો સદીઓથી સામાજિક અવગણનાનો સામનો કરતા આવ્યા છે. સમાજમાં સમાનતા ઊભી કરવાના ઉદ્દેશ્યથી અનામતો લાગુ કરાઈ હતી. અનામતો સાથે દેશની ગરીબીને ક્યારે પણ ધ્યાનમાં લેવામાં આવી ન હતી. બંધારણના ૧૦૩થી સુધારાને સંસદના બંને ગૃહોએ પસાર કર્યો હતો, જે મુજબ ૧૦ ટકા અનામતો સવર્ણોને અપાઈ હતી. વિપક્ષોએ અનામતની તરફેણમાં સંસદમાં મત આપ્યો હતો તેમ છતાંય જણાવ્યું કે, સરકારે ઉતાવળમાં નિર્ણય કર્યો છે. એમણે આક્ષેપો કર્યા હતા કે, સરકારે ર૦૧૯ની આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અનામતો આપી છે. ૧રમી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ બિલને મંજૂરી આપી હતી અને એના બીજા જ દિવસે ગુજરાતે અનામતના અમલની જાહેરાત કરી હતી.