(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ત્રણ તલાક અંગેના વટહુકમ સામે મદ્રાસ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી રજૂ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ તલાક સાથે સંબંધિત આ વટહુકમ બંધારણનો ભંગ કરે છે. સાથે જ ભેદભાવપૂર્ણ છે. નોંધનીય છે કે વટહુકમમાં ત્રણ તલાકની કુપ્રથાને સજાપાત્ર ગુનો ગણાવવામાં આવ્યો છે. ત્રણ તલાક સંબંધિત વટહુકમ સામે અરજી કરનાર અન્ય કોઇ નહીં પરંતુ હાઇકોર્ટના એક વકીલ છે. વકીલ હુસેન અફરોઝ તરફથી અરજી રજૂ કરાયા બાદ ન્યાયમૂર્તિ એસ અને ન્યાયમૂર્તિ પીટી આશાની બનેલી બેંચે કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત થયેલા વકીલને નિર્દેશ લાવવાનું કહ્યું છે. બેંચે આ મામલાની આગામી સુનાવણી ૨૨મી ઓક્ટોબરે હાથ ધરવાનું નક્કી કર્યું છે. અરજદાર વકીલે વટહુકમની જોગવાઇ ૪-૭ને પડકારી છે.આ જોગવાઇ ૧૯મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી છે. જ્યારે હુસેન અફરોઝે આ વટહુકમને કાનૂની ક્ષેત્રની બહારનો ગણાવ્યો છે. તેમણે આ વટહુકમ પર વચગાળાનો સ્ટે મુકવાની માગણી કરી છે. નોંધનીય છે કે આ વટહુકમ સામે અગાઉ પણ ઘણી વાર વિરોધ થયો છે. અગાઉ, કેરળના મુસ્લિમ સંગઠન સમગ્ર કેરળ જમીયતુલ ઉલેમાએ પણ આ વટહુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.