(એજન્સી) લખનૌ, તા.પ
ઉત્તરપ્રદેશમાં સ્વતંત્ર દિવસના અવસરે યોગી સરકાર દ્વારા તમામ મદ્રેસાઓમાં પર્વની ઉજવણીની વીડિયોગ્રાફીનો આદેશ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલ આ આદેશ પર અલ્હાબાદ હાઈકોર્ટે જવાબ માંગ્યો છે. યોગી સરકારના આદેશ અંતર્ગત સ્વતંત્રતા દિવસે મદ્રેસાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અને રાષ્ટ્રગીત ગાવાનો તેમજ આ કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશ વિરૂદ્ધ અલ્હાબાદ કોર્ટમાં નવાબ મહમૂદ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ચીફ જસ્ટિસ ડી.બી.ભોંસલે અને જસ્ટિસ એમ.કે.ગુપ્તાની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી અને તેમણે યોગી સરકારને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૧૪મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. નોંધનીય છે કે, મદ્રેસાઓમાં વીડિયોગ્રાફી કરાવવાનો મામલો પ્રથમવાર સામે આવ્યો છે. કેટલાક મદ્રેસાઓએ વીડિયોગ્રાફી કરાવવાના આ આદેશને માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો હતો.