(એજન્સી) લંડન, તા. ૫
પૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર વકાર યુનુસને પોતાના સાથી ખેલાડી વસીમ અકરમના જન્મ દિવસે કેક કાપવા બદલ આકરી ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો જોકે રમઝાનમાં કેક કાપવા બદલ બાદમાં વકાર યુનુસે માફી માગવી પડી હતી. રવિવારે વસીમ અકરમનો ૫૨મો જન્મદિવસ હતો. વકાર યુનુસ હેડિંગ્લેમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન વકાર યુનુસ અને રમીઝ રાજા વસીમ અકરમ સાથે કેક કાપતા નજરે ચડ્યા હતા. આ ત્રણેયના કેક કાપતા ફોટા વાયરસ થયા હતા. આ ફોટામાં વસીમ અકરમ પૂર્વ સાથી ખેલાડીઓ સાથે સ્ટેડિયમના પ્રેસ બોક્સમાં દેખાયો હતો. આ ફોટો વાયરલ થયા બાદ વકાર અને વસીમ બંનેની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઇ રહી હતી અને આ બાબતને બેજવાબદાર ગણાવી હતી. ટિ્‌વટર પર ટીકા થયા બાદ વકાર યુનુસે માફી માગતા લખ્યું હતું કે, અમે લોકોએ રમઝાન અને રોઝા રાખનારાઓ પ્રત્યે સન્માન જાળવવું જોઇતું હતું આ કૃત્ય બદલ હું માફી માગું છું. વસીમભાઇના જન્મદિવસ દરમિયાન અમે જે કર્યું તે બદલ હું માફી માગું છું.