ભાવનગર 

ભરૂચ

આણંદ 

ખેડા-નડિયાદ 

અમદાવાદ, તા.૧૩
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ પર આકરાં પ્રહાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ સેવા સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં માટી, ઢેફાં, કાંકરા ભેળવી ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવેલ છે અને મગફળી વેપારીઓ ખરીદવા આવે ત્યારે ૩૫ કિલોની બોરીમાંથી ૨૦ કિલો માટી, ઢેફાં, કાંકરા નીકળે છે. આ સમગ્ર ઘટનામાં સરકારી વહીવટીતંત્રની શંકાસ્પદ રીતે કૌભાંડયુક્ત ભૂમિકા હોવાનું જણાય છે. નજીકના ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બહાર આવી છે.
રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અંગે ભાજપના નેતાઓની સીધી સંડોવણી બહાર આવી છે. સરકાર પણ ભાજપના નેતાઓની આવી સંડોવણી ઉપર ઢાંકપિછોડો કરીને તેમને મદદરૂપ બનવાના પ્રયાસ કરી રહી છે. રૂ.૪૦૦૦ કરોડના આ કૌભાંડમાં હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન-ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા ખેડા-નડિયાદ ખાતે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી ભાવનગર ખાતે જોડાયા હતા. જુદાજુદા જીલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્યો અને કોંગ્રેસ પક્ષના આગેવાન-કાર્યકરો અને જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડના કૌભાંડ ગંભીર અને વ્યાપક છે. ત્યારે, સરકારી તિજોરીને ચૂનો લગાડનારાઓને સજા થાય તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદમાં ૧૪ ઓગસ્ટના રોજ બપોરે ૨.૦૦થી ૫.૦૦ કલાકે ધરણા-પ્રદર્શન કલેક્ટર કચેરી ખાતે યોજાશે.