(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા. ર૦
મગફળી કાંડનું ભૂત રાજ્યની ભાજપ સરકારને બરોબરનું ધૂણાવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મગફળી કાંડને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસ ધરણાં સહિતના દેખાવો કરી સરકારને ભીંસમાં લઈ રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આમને-સામને પ્રહારો કરી રહ્યા છે. બનાસકાંઠામાં પૂરમાં તમામ પાકનું ધોવાણ થઈ ગયું છતાં આટલી બધી મગફળી ત્યાં ક્યાંથી આવી તે સહિતના આક્ષેપોનો મારો કોંગ્રેસ તરફથી કરવામાં આવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેનો રદિયો આપી તમામ આક્ષેપો રાજકારણ પ્રેરિત ગણાવ્યા હતા. નાફેડને બદનામ કરવાનું કાવતરૂં કોંગ્રેસે ઘડ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં બહાર આવેલ મગફળી કૌભાંડને મામલે કોંગ્રેસ ભાજપ સરકારને બરોબરની ઘેરી રહી છે. રોજબરોજના દેખાવોની સાથે સાથે તેના નેતાઓ દ્વારા ભાજપ સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં ભાજપમાંથી પણ એક પછી એક નેતાઓ કોંગ્રેસ ઉપર વળતાં પ્રહારો કરી રહ્યાં છે. હવે મગફળી કાંડની તપાસ સરકાર દ્વારા હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવામાં આવી છે ત્યારે હજુ પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે. બનાસકાંઠામાં મગફળીની ખરીદીમાં કૌભાંડ આચર્યું હોવાના હવે કોંગ્રેસે આક્ષેપો કરતા તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ અભ્યાસ કર્યા વિના ઉપજાવી કાઢેલા આંકડા લાવી આક્ષેપો કરી રહ્યા છે. તેમના આક્ષેપો રાજકારણ પ્રેરિત છે. બનાસકાંઠામાં મગફળી વાવણી થાય છે અને ખેડૂતો રોકડીયા પાક તરીકે આ પાકની વાવણી કરે છે. ૧૦ કરોડથી વધુની મગફળીની ખરીદી નાફેડ દ્વારા બનાસકાંઠામાંથી કરવામાં આવી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ૧.પ૬ લાખ ખેડૂતોએ મગફળીની વાવણી કરી હતી ટેકાના ભાવનો લાભ ૯પ૪ ખેડૂતોએ લીધો છે. દેશમાં ગુજરાતને અને નાફેડને બદનામ કરવાનું કાવતરૂં કોંગ્રેસ કરી રહી છે. મગફળી કાંડમાં સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. ધરપકડો પણ થઈ છે અને નાફેડના બારદાન વેચનારાઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. ખેડૂતોને બદનામ કરનારા અને ખોટુ કરનાર સામે કડક કાર્યવાહી થશે તેમ જણાવતા ના. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે અને આવા વાહિયાત આક્ષેપો કરી રહી છે.