પાલનપુર,તા.૧૩
સમગ્ર રાજ્યમાં મગફળી કાંડને લઇને બનાસકાંઠામાં પણ મગફળી કૌભાંડનાં આક્ષેપો થયા છે ત્યારે વાવ, સુઇગામ, ભાભર, થરાદમાં પણ મગફળી કૌભાંડ થયું હોવાનું કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુર ખાતે મગફળી કૌભાંડની તપાસ મામલે ધરણા કર્યા હતા. અને કલેકટર કચેરીએ આવેદન આપ્યું હતું.
બનાસકાંઠામાં કથિત મગફળીના કૌભાંડને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ધરણા કર્યા હતા અને મગફળી કૌભાંડની આશંકાએ તપાસની માંગ કરી હતી સમગ્ર રાજ્યમાં જે પ્રકારે મગફળી કૌભાંડ બહાર આવ્યું અને તેના છાંટા બનાસકાંઠામાં પણ ઊડ્યા ત્યારે બનાસકાંઠામાં પણ મંડળીઓને મગફળી ખરીદીના સેન્ટર ફાળવવામાં આવ્યા હતા ત્યારે જ્યાં જે વિસ્તારમાં મગફળી થતી નથી. તેવા સેન્ટરોમાં પણ કરોડની મગફળી ખરીદી કરાઇ હતી. ત્યારે ભાભર અને સુઈગામમાં પણ ખેડૂતોના નામે મગફળી ખરીદી અને તેમના ખાતામાં પૈસા જમા થઈ અને ઉપડી ગયાના પણ આક્ષેપો ખેડૂતોએ કર્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં પણ મગફળી કૌભાંડની આશંકા વર્તાઇ રહી છે ત્યારે જિલ્લા કોંગ્રેસે આજે ધરણા કરી અને બનાસકાંઠામાં પણ મગફળી કૌભાંડ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.