(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
ગુજરાતમાં મગફળી કાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી અગાઉ ટેકાના ભાવે ખરીદેલી મગફળી રાજકોટના જેતપુરના પેટલા ખાતે આવેલા જીએસડબ્લ્યુસીના ગોડાઉનમાં રાખવામાં આવી હતી. સરકારે ચૂંટણી જીતવા ઊંચા ભાવે મગફળી ખરીદી હતી પરંતુ વેપારીઓએ મગફળીની બેરીઓ ઉપાડવાનું ના પાડતા તપાસ દરમિયાન ૩પ કિલોની બોરીમાં ર૦ કિલો માટી અને રેતી માલુમ પડી હતી. જેને પગલે સરકારે જિલ્લા કલેક્ટર અને પોલીસને ફરિયાદ કરાયા બાદ તપાસના આદેશ આપ્યા છે. આથી કોંગ્રેસે પ હજાર કરોડના મગફળી ખરીદીના ભ્રષ્ટાચારની તપાસ ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખ હેઠળ એસઆઈટી બનાવીને કરવા અને ભાજપના જવાબદાર આગેવાનોની ધરપકડ કરવા માગ કરી છે.
ટેકાના ભાવે મગફળી ખરીદીના નામે ગોડાઉનોમાં ખરીદેલી મગફળીમાં માટી, ઢેફા, સાથે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે રાજીવ ગાંધી ભવન ખાતે સયુંક્ત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તથા ગુજરાત પ્રદેશ કિસાન મજદુર કોંગ્રેસના અધ્યક્ષ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ પત્રોની નકલ રજૂ કરીને જણાવ્યું હતું કે, તા. ૨૪-૧૦-૨૦૧૭ના રોજ મોટી ધણેજના સોનીંગભાઈ જેઠવાએ તથા અન્ય આગેવાનોએ માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જાણ કરી હતી કે, મોટી ધણેજ સહકારી મંડળીની ઓફિસ અને ગોડાઉન મોટી ધણેજ મુકામે છે. મગફળી ખરીદી પણ આ સ્થળેથી જ થવી જોઈએ. પરંતુ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી ખરીદ કેમ્પ નાની ધણેજના ભાજપના તાલુકા પ્રમુખ મુળુભાઈ આલાભાઈ જુંજીયાના ખેતરમાં રાખ્યો હતો. તા. ૫-૨-૨૦૧૮ના રોજ સી.આઈ.ડી.(ક્રાઈમ)ના ડી.આઈ.જી.ને પત્ર લખીને તથા તેની નકલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ખેડૂતોને બદલે મળતીયા દલાલોની મગફળી ખરીદવામાં આવેલ છે. આ ઉપરાંત, જે કોઈ સાચા ખેડૂતોની સારી મગફળી ખરીદેલ છે તે મગફળીને મિલમાં વેચી દઈને તેની જગ્યાએ બીબડી મગફળી મૂકી દેવામાં આવેલ છે તેમજ મગફળીની બોરીઓમાં ૩૫ કિલોની ભરતીમાં ૨૦ કિલો માટી અને રેતીની ભેળસેળ અને ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પણ આ પત્રના આધારે તા.૬-૨-૨૦૧૮ના રોજ સીઆઈડી ક્રાઈમનાં ડીઆઈજીને પત્ર લખેલ હતો. પરંતુ ભાજપ સરકાર મગફળીના કૌભાંડીઓને પકડીને સજા કરવાને બદલે તેમના બચાવમાં જ ઉભી હતી. એટલે આ પત્રોને આધારે કોઈ પગલાં લેવાયાં નહીં. પરંતુ હવે જયારે આ મગફળીની હરાજી કરીને વેચાણ કરવાની પ્રક્રિયા નાફેડે હાથમાં લીધી અને હરાજીમાં મગફળી ખરીદનાર વેપારીઓ પેઢલાના ગોડાઉનમાં મગફળીની ડીલીવરી લેવા ગયા ત્યારે મગફળીના ૩૫ કિલોની ભરતીમાંથી ૨૦ કિલો માટી અને રેતી નીકળી પડતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
મગફળી ખરીદી કૌભાંડની મોડસ ઓપરેન્ડીની સિલસિલાબંધ વિગતો આપતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપ સરકારે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ જીતવા અને મગફળી ખરીદીમાંથી ભ્રષ્ટ્રાચાર કરીને તેમના આગેવાનોને કમાણી કરાવવા અને ચૂંટણીફંડ મેળવવાના ઈરાદાથી રૂા.૯૦૦ પ્રતિ મણના ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી ૯ લાખ ટન મગફળી ૪ હજાર કરોડના ખર્ચે ખરીદી હતી. ખેડૂતોને નાણાની ચુકવણી આ ખરીદ એજન્સીકઓ મારફત થતું હતું. ખરીદી બાદ મગફળીને ગુજરાત રાજય વેર હાઉસીંગ કોર્પોરેશન લી.એ ભાડે રાખેલા ગોડાઉનોમાં રાખવામાં આવતા હતા. અહીંના કેસમાં મોટી ધીનોજ સહકારી મંડળીને ખરીદી કરવાનો અધિકાર રાજ્ય સરકારે આપ્યો હતો અને ગોડાઉન ભાડે રાખવાનું કામ રાજ્ય સરકારના વેર હાઉસીંગ કોર્પોરેશને કર્યું હતું અને ચુકવણું મોટી ધીનોજ સહકારી મંડળી મારફત થયું હતું. ભાજપ સરકારની સીધી દેખરેખ અને ભાગીદારીથી જ આ રૂ.૧૭.૧૭ કરોડનું કૌભાંડ શકય બન્યું છે અને ભાજપ સરકારના સહયોગથી જ ભાજપના ભ્રષ્ટાચારી આગેવાનોને બચાવવા છાવરવામાં આવી રહ્યું છે.
ભાજપના આગેવાનોને કમાવી આપવા અને ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી ફડચામાં ગયેલ ગુજકોટને ખરીદી માટે નોડલ એજન્સી તરીકે નિમણુંક અપાઈ. જે સહકારી સંસ્થા ઓ નાદારી નોંધાવવાની નજીક હતી અથવા જેમની સામે ગંભીર આરોપો હતા તેવી અનેક મંડળીઓને મગફળી ખરીદીનું કામ સોંપાયું હતું. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લખતર ગામમાં તો જે મંડળીનું રજીસ્ટ્રેશન પેન્ડીંગ હતું પરંતુ ૧૧ વ્યક્તિઓની સમિતિ હતી તેવી કહેવાતી સુચિત કહી શકાય તેવી મંડળીને કોઈ અનુભવ કે કોઈ મુડી વગર મગફળી ખરીદીનું કામ સોંપાયું અને આ મંડળીએ જોડીયા, ધ્રોલ, ટંકારા, મોરબી તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી કરી. ખેડૂતોને બદલે ભાજપના આગેવાનોને મગફળી ખરીદીમાં ઘી-કેળાં થઈ ગયાં. અત્યાંર સુધી ચાર ગોડાઉનોમાં રહેલી મગફળી પુરાવાના નાશ કરવાના ઈરાદાથી સળગાવવામાં આવી છે. આ ઉપરાંત પેઢલાના ગોડાઉનમાં ભ્રષ્ટાચારના સીધા જ પુરાવાઓ બહાર આવ્યા છે. આ તો માત્ર હિમશીલાની ટોચ જ બહાર આવી છે. સમગ્ર ઘટનાની હાઈકોર્ટના સીટીંગ જજ મારફત તપાસ કરવામાં આવે તો ચુંટણી જીતવા, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા અને ખેડૂતોની સાથેની છેતરપીંડીનો આ સદીનો સૌથી મોટો રૂા. ૫૦૦૦ કરોડના ભ્રષ્ટાચારની ભાજપની કહાની બહાર આવે તેમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી ધીણોજ સેવા સહકારી મંડળીના રૂા. ૧૭.૧૭ કરોડની મગફળી ખરીદીના ભ્રષ્ટાચારની આગોતરી જાણ હોવા છતાં શા માટે આ મંડળીના સંચાલકો અને ભાજપના તાલુકા પ્રમુખ સામે પગલાં ન લીધાં તેનો ખુલાસો કરે તેવી કોંગ્રેસે માંગણી કરી હતી.