ભાવનગર, તા.૧૯
જામનગર માર્કેટ યાર્ડમાં ૬ ખેડૂતોની મગફળી રીજેક્ટ કરવામાં આવતા ખેડૂતોએ આજે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ધારાસભ્યને આ પ્રશ્નથી વાકેફ કરવામાં આવતા તેઓ યાર્ડમાં પહોંચી ગયા હતાં. જ્યારે મગફળીનો ભરાવો થતા આજથી ખુલ્લા બજારમાં મગફળીની હરાજી બંધ રાખવાનો પણ યાર્ડ સત્તાવાળાએ નિર્ણય લીધો હતો. જામનગર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન ૬ ખેડૂતોની મગફળી રીજેક્ટ કરવામાં આવી હતી. આથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આ મુદ્દે ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાને જાણ કરવામાં આવતા આજે સવારે, ધારાસભ્ય યાર્ડમાં દોડી ગયા હતાં અને ખેડૂતોની વ્યથા-રોષ જાણ્યા હતાં. બીજી તરફ ખેડૂતો વધુ રોષે ભરાતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જાડેજા, મામલતદાર વિગેરે પણ યાર્ડમાં દોડી ગયા હતાં અને ખેડૂતોની રજુઆતો સાંભળી હતી. દરરોજ ૫૦ ખેડૂતોને યાર્ડમાં મગફળી સાથે બોલાવવામાં આવે છે પરંતુ ધીમી ગતિએ યાર્ડમાં મગફળી ખરીદી થતી હોવાથી ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર આજે કાલાવડ માર્કેટ યાર્ડની મુલાકાતે પહોંચ્યા છે.
મોડેથી મળતા અહેવાલ મુજબ માર્કેટ યાર્ડનાં પૂર્વ ચેરમેન, ચંદ્રેશ પટેલ પણ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતાં. અને મામલતદાર સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી કે શા માટે સારી મગફળી હોવા છતાં રીજેક્ટ કરવામાં આવે છે? આ મુદ્દે તેમણે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયાને ફોન કર્યો હતો અને તાત્કાલીક જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી ખેડૂતોને ન્યાય આપવા રજુઆતો કરી હતી.