અમદાવાદ, તા. ૧૦
પોરબંદર ખાતે મગફળીના ગોડાઉનમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અર્જુન મોઢવાડિયાએ જનતા રેડ કરતા ગોડાઉનમાંથી ધૂળ, ઢેંફા, રેતી સાથે છૂટી મગફળીના ઢગલા મળી આવ્યા હતા તેમજ વારદાતમાં મગફળી હોવી જોઈએ તેના કરતા છૂટી મગફળી મળી આવી હતી. મગફળી સંગ્રહ કરવામાં આવી છે તેવા ગોડાઉનોમાં ગેરરીતિઓ થાય છે ત્યારે સરકારે ન્યાયિક તપાસ કરવી જોઈએ તેવી માંગ મોઢવાડિયાએ કરી છે.
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષમાં ટેકાના ભાવે ૮.૩૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખરીદાયેલી ટેકાના ભાવની મગફળી ગુજરાતના અલગ-અલગ ૪૦૦ કરતાં વધારે સ્થળોએ ખાનગી/અર્ધખાનગી અને સરકારી ગોડાઉન કે વેર હાઉસમાં રાખવામાં આવી છે. મગફળી ખરીદી અને ગોડાઉનમાં સંગ્રહ કરેલા મગફળીના જથ્થામાં રૂા. ૪૦૦૦ કરોડના કૌભાંડ અંગે ન્યાયિક તપાસની માંગ સાથે કોંગ્રેસ આંદોલન કરી રહી છે. પોરબંદર સ્થિત સુભાષનગરમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ગોડાઉન/વેર હાઉસમાં પણ આ ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હોય, આ ગોડાઉનમાં ખરેખર કેવી મગફળી છે તે બાબતે તપાસ કરવા પોરબંદરના મીડિયાને સાથે રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા આ ગોડાઉન પર જનતા રેડ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં રેડ દરમ્યાન ગોડાઉનના આગળના દરવાજામાં તાળું છે, ચોકીદાર છે પરંતુ પાછળના ભાગે ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. ગોડાઉન ઉપરથી તૂટેલો છે, વરસાદનું પાણી ગોડાઉનમાં ઉતરે છે ગોડાઉનમાં લૂઝ/છૂટી મગફળીના ઢગલા મળ્યા, નિયમ અનુસાર ટેકાના કેન્દ્ર પરથી જ મગફળી બારદાન/ગુણીમાં ફરજિયાત ભરવાની હોય છે, તો ગોડાઉનમાં લૂઝ/છૂટી મગફળીના ઢગલા કેમ પડ્યા છે ? ગોડાઉનમાં ખાલી બારદાનના ઢગલા મળી આવ્યા આ ખાલી બારદાન અનેક સવાલ ઊભા કરે છે.
બારદાન ખાલી કેમ ? કોના બારદાન પડ્યા છે ? શું પાછલા બારણેથી મગફળીમાં હેરાફેરી કરવા ખાલી બારદાનના ઢગલા પડ્યા છે ?
મગફળી સાથે ધૂળ-રેતી મળી આવી જ્યારે સારી ગુણવત્તાની જગ્યાએ નબળી ગુણવત્તાવાળી મગફળી મળી આવી એવા સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે.
જનતા રેડમાં ચોંકાવનારી હકીકત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકાર મગફળીના સ્ટોક માટે ગોડાઉન પંસદ કરે છે ત્યારે ઘણી બધી સિક્યુરિટી અને સેફ્ટીની બાબતો વિચાર્યા પછી જ ગોડાઉન પંસદ કરે છે તો ઉપરથી અર્ધ તૂટેલ-ફૂટેલ એવું ગોડાઉન શા માટે પસંદ કરવામાં આવ્યું ? જો પાછળ ચોર દરવાજો હોય તો આગળ ચોકીદારને બેસાડવાની શું જરૂરિયાત છે ? છૂટી પડેલી મગફળીના ઢગલા અને ખાલી બારદાનના ઢગલા સરકારની સિસ્ટમ પર હજારો સવાલ ઊભા કરે છે. આ તો પોરબંદરના એક ગોડાઉનની વાત થઈ રાજ્યના મગફળીનો જથ્થો સંગ્રહ કરેલ અનેક ગોડાઉનમાં ગેરરીતિઓ સામે આવે છે, ત્યારે સરકાર ન્યાયિક તપાસ કરે તેવી અમારી માંગ છે.