(એજન્સી) બિહાર, તા.૧પ
ર૦૦૯માં જ્યારે રૂબી દેવીએ સતિષ દાસ સાથે લગ્ન કર્યા ત્યારે મહાદેવ કુમારની ઉંમર સાત વર્ષની હતી. મહાદેવને બે ભાઈઓ હતા. આ ૩ ભાઈઓમાં મહાદેવ સૌથી નાનો હતો. થોડા વર્ષો પહેલાં આ ભાઈઓ તેની માતાને ગુમાવી દેતા રૂબીએ તેના લગ્ન બાદ મહાદેવનો ઉછેર કર્યો હતો. પરંતુ તેમને ખબર પણ નહોતી કે આ નાની દુર્ઘટના તેમની દુનિયાને હચમચાવી મૂકશે. વર્ષ ર૦૧૩માં મજૂર તરીકે કામ કરતાં સતિષનું વીજકરંટને કારણે મોત નિપજ્યું હતું. રૂબીને ૩ વર્ષની પુત્રી તથા ૧ વર્ષનો પુત્ર છે. મહાદેવના બીજા ભાઈઓ મનીષ દાસે ત્યારબાદ લગ્ન કરી લીધા હતા. એક મહિના પહેલાં મહાદેવના પિતાએ તેને રૂબી સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. રૂબી મહાદેવ કરતાં ૧૦ વર્ષ મોટી છે. ૧૧ ડિસેમ્બરે જ્યારે રૂબી અને મહાદેવના લગ્ન થયા તે જ દિવસે ૧પ વર્ષીય મહાદેવે તેનું જીવન ટૂંકાવી દીધું હતું. મનીષ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ મહાદેવ રૂબી સાથે લગ્ન કરવા માગતો ન હતો. પરંતુ તેના પિતા અને રૂબીની માતાએ તેને આ લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું તેથી બાળલગ્નના કાયદાની જોગવાઈ હેઠળ બેની વિરૂદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. રૂબી હાલ તો ગયા શહેરથી ર૦ કિ.મી. દૂર આવેલા વિનોબાનગર ગામમાં તેના સસરાના પિતૃપક્ષના ઘરમાં રહે છે. રૂબીએ જણાવ્યા અનુસાર મારા પતિના (સતિષ) મૃત્યુ બાદ મારા પિતા મને આંતિમાં આવેલા વિશ્વનાથપુર ગામમાં આવેલા અમારા ઘરે પાછી લઈ જવા માગતા હતા. પરંતુ મારા સસરાએ કહ્યું કે ઘર કી ઈજ્જત ઘર મેં હી રહેગી અને તેથી મહાદેવ જ્યારે મોટો થશે ત્યારે તેના લગ્ન રૂબી સાથે કરાવવામાં આવશે. પરંતુ અમારી વચ્ચે ઉંમરનો ગાળો ખૂબ વધારે હોવાથી હું આ લગ્ન માટે તૈયાર નહોતી અને હકીકત તો એ છે કે, મહાદેવ મારા માટે બાળક સમાન હતો પરંતુ હું એટલા માટે લગ્ન કરવા માટે તૈયાર થઈ કારણ કે હું પરિવારમાં મારું સ્થાન પાછું મેળવી શકું. જ્યારે મારા સસરાએ ગત મહિને મહાદેવને મારી સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું ત્યારે તેણે ના પાડી હતી અને વધુ અભ્યાસ બાદ થોડા સમય પછી મારી સાથે લગ્ન કરવા કહ્યું. પરંતુ હું ત્યાં સુધી રાહ જોઈ શકું તેમ નહોતી કે તે ર૧ વર્ષનો થાય પછી હું લગ્ન કરું. જ્યારે મારી ઉંમર વીતી જાય ત્યારે તેની સાથે લગ્ન કરવાનો પણ કોઈ મતલબ નહોતો. ઉપરાંત જો હું મહાદેવ સાથે લગ્ન ના કરું તો મારા સસરાએ મને મિલકતમાં પણ ભાગ આપવાનો ઈન્કાર કર્યો હતો.