(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ર૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની મોંઘી મહેમાનગતિ માણવા આવી રહ્યા છે. ત્યારે તેમની આગતા સ્વાગતા માટે અમદાવાદી તો કોઈ કસર છોડી નથી. પરંતુ ટ્રમ્પ દંપતિની સિકયુરિટી માટે ખુદ અમેરિકન સિક્રેટ સર્વીસના જવાનો સપ્તાહ અગાઉથી તૈયારીમાં લાગી ગયા છે. અગાઉ ટ્રમ્પની સિકયુરીટી માટેના સામાન સાથેનું વિમાન અગાઉ આવ્યા બાદ આજે બીજું હરકયુલીસ વિમાન આવી પહોંચ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર આજે બપોરે અમેરિકન એરફોર્સનું એક હરક્યુલીસ વિમાન આવી પહોંચ્યું છે. જ્યારે અન્ય એક વિમાન પણ આવવાનું છે. બે દિવસ પહેલા આવા જ એક વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો હતો. આ મહાકાય વિમાનનું નામ ગ્લોબ માસ્ટર ૦૩ છે જે અમેરિકાનાં ચાલ્સ સ્ટોન એરબેઝથી આવ્યું છે. પેસેન્જર માટે, કાર્ગો માટે, મિલેટ્રી સાધનો માટે, એરો મેડિકલ સાધનો માટે આ પ્લેનનો ઉપયોગ થાય છે. આ પ્લેનમાં ૬૦૦ ટનથી વધુનો સામાન લાવી શકાય છે. આ પ્લેન સિંગલ પાઇલટ વડે ચાલી શકે છે અને એક જ વખતમાં એટલાન્ટિક દરિયો પાર કરી શકે છે. આ પ્લેન અમેરિકન સરકારનાં કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લેનની મહત્વની વાત છે કે, તેનો ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાનને ફરી શરુ કરવા માટે ૩૦ મિલિયન યુ.એસ ડોલરનો ખર્ચો કરવામાં આવ્યો હતો. સલામતીને લગતા સરંજામમાં સ્પાય કેમેરા, સ્નાઇપર, ફાયર સેફ્ટી સિસ્ટમનો સમાવેશ થતો હતો અને તેને કાર્ગો ખાતે ઉતારવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ એરફોર્સ વન- બોઇંગ ૭૪૭ એરક્રાફ્ટમાં આગમન કરશે. આટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કુલ ૭ એરક્રાફ્ટ પણ હશે. જેમાંથી કાર્ગો એરક્રાફ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિશિષ્ટ બિસ્ટ કાર લાવવામાં આવશે.
ચાર એરક્રાફ્ટ ૨૨ ફેબુ્રઆરી સુધીમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી શકે છે. ચાર કાર્ગો ઉપરાંત બે પેસેન્જર એરક્રાફ્ટ પણ ટ્રમ્પના કાફલામાં હશે. આ બંને પેસેન્જર એરક્રાફ્ટ ૨૪ ફેબુ્રઆરીનાં રોજ જ આવશે. અમેરિકાનું ગ્લોબ માસ્ટર્સ જેવું જ એરક્રાફ્ટ ભારતીય વાયુ સેના પાસે પણ છે.