(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
૨૧ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પાઠવેલા એક પત્રમાં કોંગ્રેસ સંસદીય પાર્ટીએ એવો દાવો કર્યો કે સમયસર સંસદનું સત્ર ન બોલાવવાથી અયોગ્ય દાખલો બેસશે. કોંગ્રેસે સરકાર પર એવો આક્ષેપ કર્યો કે સરકારે વ્યાજબી કારણ આપ્યા વગર સંસદના શિયાળુ સત્રને ટાળી દીધું છે. સંસદનું શિયાળુ સત્ર સમયસર બોલાવવાનો સરકારને આદેશ આપવામાં આવે તેવી વિનંતી કોંગ્રેસે રાષ્ટ્રપતિને કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પાઠવેલા પત્રમાં કોંગ્રેસે કહ્યું કે સમયસર સંસદનું સત્ર ન બોલાવવાથી લોકોમાં ખોટો સંદેશો જશે. કોંગ્રેસે દાવા સાથે કહ્યું કે સરકાર દ્વારા શિયાળુ સત્ર ટાળવા માટેનું અનોપચારિક કારણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે એવી દલીલ કરી કે ચૂંટણી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ નિર્ધારીત ધારા-ધોરણો અને સ્થાપિત પ્રણાલી,પરંપરા પ્રમાણે સંસદનું સત્ર બોલાવવામાં આવે. કોંગ્રેસે એવા આક્ષેપનું પણ પુનરાવર્તન કર્યું કે સરકાર તેની પર ખામીયુક્ત અને અલોકપ્રિય નીતિઓ તથા વ્યાપક ભ્રષ્ટાચાર પરની ચર્ચા ટાળવા માટે સંસદનું સત્ર નથી બોલાવી રહી. કોંગ્રેસે પત્રમાં આગળ કહ્યું કે કોઈ પણ જાતના વ્યાજબી કારણ આપ્યા વગર કે ખુલાસો આપ્યા વગર સંસદના શિયાળુ સત્રને બોલાવવામાં સરકારના અયોગ્ય વિલંબ પરત્વે અમે તમારૂ ધ્યાન દોરીએ છીએ. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ ચૂંટણી થઈ હતી. તેમ છતાં પણ ૨૨ નવેમ્બરના રોજ સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે એ વાતનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય છે કે ચોમાસુ સત્ર બાદ સૌથી લાંબા આંતરિક સત્રને પગલે શિયાળુ સત્ર આવી રહ્યું છે. આ રીતે સમયસર સત્ર ન બોલાવવાથી ખોટો દાખલો બેસશે. સરકાર ગૃહમાં સવાલોથી બચવા માંગે છે તેવો દાવો કરતાં નેતાઓએ કહ્યું કે આ એક ગંભીર ચિંતાનો વિષય છે. સાંસદોને સમયસર તેમની ફરજો બજાવવાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે તેનાથી સંસદ સંસ્થાની ગરિમા લજવાઈ છે. કોંગ્રેસે કહ્યું કે અમે મહામહિમ રાષ્ટ્રપતિને બંધારણના રખેવાળ તરીકે તેમનું ધ્યાન દોરીએ છીએ. ઉલ્લેખનીય છે કે જાણીતા લેખક અને પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ એવો મત વ્યક્ત કર્યો હતો કે સંસદના શિયાળુ સત્રને ગુજરાતની ચૂંટણી સુધી પાછું ઠેલીને સ્પષ્ટ સંંદેશ આપવામા આવ્યો કે રાષ્ટ્રીય સંસદ કરતાં કોઈ રાજ્યની ચૂંટણી મહત્વની છે.
Recent Comments