અમદાવાદ, તા.૬
અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમા વડાપ્રધાનની સાથે જાપાનીઝ વડાપ્રધાન શીનજો મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓની હાલત સુધારવા રાજ્ય સરકાર તરફથી ૭૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામા આવી છે આ અગાઉ વર્ષ-૨૦૧૪મા ચાઈનીઝ રાષ્ટ્રપતિ જિનપીંગ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા એ સમયે રાજય સરકારે રૂપિયા ૧૩૦ કરોડની ફાળવણી કરી હતી આમ છતાં ખુબ ટુંકાગાળામા અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ ઉપર કુલ મળીને ૪,૫૦૦ જેટલા ખાડાઓ પડી ગયા હોવાનુ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ કહ્યુ છે.આ પરિસ્થિતિમા રાજય સરકારે અમદાવાદના રસ્તાઓની હાલત સુધારવા રૂપિયા ૭૫ કરોડની રકમની ફાળવણી કરી છે.આ અગાઉ વર્ષ-૨૦૧૪મા જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તે સમયે પણ રાજય સરકાર તરફથી અમદાવાદ શહેરના રસ્તાઓની હાલત સુધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા ૧૩૦ કરોડ જેટલી જંગી રકમની ફાળવણી કરી હતી.બાદમા વર્ષ-૨૦૧૫મા રાજયમા આયોજિત કરવામા આવેલી વાઈબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અગાઉ અમદાવાદ શહેરના રસ્તાઓને રીસરફેસ કરવા રાજય સરકાર તરફથી રૂપિયા ૮૫ કરોડની રકમની ફાળવણી કરવામા આવી હતી. આ સમયે થોડા સમય અગાઉ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને ગાંધીનગર બોલાવી શહેરના રસ્તાઓની બાબતમા નારાજગી સાથે ઉગ્ર ભાષામા ઠપકો પણ આપ્યો હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.