– આશિષ દીક્ષિત

 

મુદ્દાઓ

૦ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયાં તે પછી ‘ઈવીએમ કૌભાંડ’ સામે વિરોધ દેખાવો

૦ ઉમેદવારોએ નોંધાયેલા મતો અને ગણતરી કરાયેલા મતોમાંની કેટલીક સરખામણીઓ રજૂ કરી

૦ રાજ્યભરમાંથી કેટલીક આંચકાજનક અને ચોંકાવનારી બાબતો બહાર આવી (જેમ કે, મુંબઈમાંં એક ઉમેદવારને શૂન્ય મત મળ્યા)

૦ સુપ્રિમ કોર્ટ જાહેર કરી ચૂકી છે કે, વર્તમાન સ્વરૂપમાં ઈવીએમ મશીનો ફુલપ્રૂફ નથી; ચોરાયેલાં ઈવીએમ મશીનોમાં ટૅક્‌-નિષ્ણાતો સફળતાપૂર્વક તેને હૅક કરી શકે છે

૦ ઈવીએમના ઉપયોગ વખતે સાથે પેપર પણ આપીને મત-પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો ચૂંટણીપંચને અપાયેલો સમય લગભગ પૂરો થવા આવ્યો છે

મહારાષ્ટ્રમાં તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ની સાંજના સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી તેના પૂર્ણવિરામ તરફ હતી ત્યારે આખા રાજ્યમાં એક અનપેક્ષિત બાબતે આંચકો આપ્યો હતો. ઈવીએમ મશીનો સાથે ચેડાં થયાં હોવાના આક્ષેપ સાથે નાસિક શહેરના હાર્દસમા વિસ્તાર પંચવટીમાં હિંસા ભડકી ઊઠી. શહેર ભાજપના વડાનો પુત્ર વૉર્ડનો વિજેતા જાહેર થયો હતો, પરંતુ શિવસેનાએ દાવો કર્યો કે, દરેક ઉમેદવારને મળેલા મતો કુલ મતો કરતાં વધારે હતા!

આ કારણે શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચેનો સંઘર્ષ શેરીઓમાં ઊતરી આવ્યો. તોફાની ટોળાંઓએ તોડફોડ શરૂ કરી અને વાહનો સળગાવ્યાં. લગભગ ૮૦૦ માણસોનાં ટોળાંને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી. પરંતુ આ સંઘર્ષમાં ૯ પોલીસમેન અને કેટલાક સ્થાનિક માણસોને ઈજાઓ થઈ.

ઈવીએમ મશીન સાથે ચેડાંની આવી જ ફરિયાદ પુણેમાં પણ ઊઠી, પણ સદ્દભાગ્યે તે અહિંસક નીવડી. યેરવડા વૉર્ડમાં વિવિધ રાજકીય પક્ષોના ૧૫ ઉમેદવારોએ રિટર્નિંગ ઑફિસર (આરઓ) વિરુદ્ધ મતગણતરી વખતે ગેરરીતિની ફરિયાદ નોંધાવી. તેમણે દાવો કર્યો કે, કુલ ૩૩,૨૮૯ મતો પડ્યા હતા, પણ ૪૩,૩૨૪ મતો ગણાયા હતા! તેમણે બૅલેટ-પેપરના ઉપયોગથી પુનઃમતદાનની માગણી કરી. આરઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સ્થાનિક ચૂંંટણીની જવાબદારી નિભાવતા રાજ્ય ચૂંટણીપંચે પુનઃમતદાનની માગણી ફગાવી દીધી એટલે તરત જ સંયુક્તપણે વિપક્ષોએ એક વિરોધ-બેઠક બોલાવી. પણ પછી વધારે કેસ બનવા લાગ્યા એટલે એમણે સૌએ એક થઈને મંગળવારના રોજ ઈવીએમ મશીનની પ્રતિકૃતિની સ્મશાનયાત્રા જ યોજી અને રીતસર વૈકુંઠ સ્મશાનગૃહ ખાતે ઈવીએમના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર પણ કરી દીધા! બધા પક્ષોના પરાજય પામેલા ઉમેદવારોએ આ અનોખી સ્મશાનયાત્રામાં ભાગ લીધો. ઘણાના મોએ ચોંકાવનારી વાતો હતી.

મને વિજેતા જાહેર કરાયો હતો અને (લોકપ્રતિનિધિત્વ ધારાની) કલમ ૧૪૯ હેઠળ સત્તાવાર પત્ર આપી દેવાયો હતો. પછી અમને બધાને જતા રહેવાનું કહેવાયું. પણ લગભગ એકાદ કલાક પછી જ્યારે અમે અમારી વિજયયાત્રા કાઢી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે, હજી તો એક ઈવીએમની ગણતરી બાકી છે! અને પછી અચાનક જ ભાજપના ઉમેદવારને વિજેતા ઘોષિત કરાયા!

– મનીષા મોહિતે, એનસીપી ઉમેદવાર, પુણે

ગુનેગાર તરીકેની છબિ ધરાવતાં તત્ત્વોને ભાજપમાં લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભાજપના સાંસદ સંજય કકડેએ પુણેનાં પરિણામોની યોગ્ય જ આગાહી કરી હતી. તેમણે સોગંધ લીધા હતા કે જો તેમની આગાહી ખોટી પડશે તો રાજકારણ છોડી દેશે! સત્તાધારી પક્ષ દ્વારા ચૂંટણીનાં પરિણામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના પુરાવા તરીકે હવે વિપક્ષો આ બાબતને સામી ધરે છે.

“અરે, પણ મને શૂન્ય મત કેવી રીતે મળે?”

મુંબઈમાં પશ્ચિમ વિસ્તારમાં સાકીનાકામાં પોતાના રહેઠાણની નજીકમાં જ એક બુથમાં અપક્ષ ઉમેદવાર શ્રીકાન્ત શિરસતને શૂન્ય મત મળ્યા!

મેં તો મને મત આપ્યો જ હોયને! મારાં કુટુંબીજનો અને પડોશીઓ પણ મને જ મત આપેને! ઈવીએમ જ ખામીભરેલું છે. નહીં તો મને ઝીરો વોટ કેવી રીતે મળે?

– શ્રીકાન્ત શિરસત, અપક્ષ ઉમેદવાર, મુંબઈ

આવી જ અનેક ફરિયાદો રાજ્યના વિવિધ ભાગોમાંથી ઊઠી રહી છે. આંકડાઓ ભેગા કરવાની કોશિશ થઈ રહી છે. ઈવીએમ મશીનોમાં થયેલી કથિત ગેરરીતિને લગતા આંકડા એકત્ર કરવા માટે નાસિકમાં ‘લોકશાહી બચાવો આંદોલન’ નામના એક સંગઠનની રચના કરાઈ છે.

નાગપુરમાં એનસીપીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે, ઈવીએમ કૌભાંડમાં તપાસ નહીં થાય તો મેયરને શપથ ગ્રહણ કરવા નહીં દે. નજીકના અમરાવતીમાં પણ ઈવીએમના દુરુપયોગની સામે અવાજ ઉઠાવવા માટે તમામ પક્ષોએ સોમવારે બંધનું એલાન આપ્યું, અને તેને સારો પ્રતિભાવ મળ્યો, બજારોએ પણ બંધ પાળ્યો.

Panakaj (26)ઈવીએમ-વિરોધી આંદોલન માટે હાકલ

નાસિકની સાથોસાથ પુણે અને અમરાવતી ખાતે તથા કોલ્હાપુરમાં પણ વિરોધી દેખાવો માટેની કૂચ યોજાઈ હતી. હાઈકોર્ટના પૂર્વ જજ અને સામાજિક કર્મશીલ બી.જી. કોલસે પાટિલ હવે આ બધા વિરોધ-દેખાવકારોને સંગઠિત કરી રહ્યા છે અને રાજ્યવ્યાપી વિરોધી દેખાવો કરી રહ્યા છે.

મોદી અને શાહના ભૂતકાળ જોતાં હું દ્રઢપણે માનું છું કે, તેમણે મશીનોમાં ગોલમાલ કરી જ હશે. અનેક કૌભાડો (ઈવીએમમાં ગેરરીતિ કરવા અંગેનાં) હવે બહાર આવી રહ્યાં છે. તેથી, મેં તેમની સામે વિરોધ કરવાનું નક્કી કર્યું છે. અમારે પેપર ટ્રેલ મશીનો જોઈએ. જો તેમ ન થાય તો બૅલેટ પેપર બરાબર છે, તે પદ્ધતિ પાછી લાવો.

– બી.જી. કોલસે પાટિલ, હાઈકોર્ટના પૂર્વ જજ અને સામાજિક કર્મશીલ

પેપર-ટ્રેઇલના જે વિચારની વાત જસ્ટિસ કોલસે પાટિલ કરી રહ્યા છે તેનો પ્રયોગ ભારતીય ચૂંટણીપંચ કરી રહ્યું છે. તેનું સત્તાવાર નામ ‘વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેઇલ’ અથવા વીવીપીએટી છે, જેમાં મતદારને પોતાના મતની તરત જ એક પ્રિન્ટ-આઉટ મળી જાય છે. પછી તેને બેલેટ બૉક્સમાં મૂકવાની હોય છે. એટલે, તેમાં દરેક મતદાર પોતાના મતને નોંધાયેલો જોઈ શકે છે, અને પુનઃગણતરી વખતે પ્રિન્ટ આઉટ પણ ગણી શકાય છે.

ચૂંટણીપંચે ૨૦૧૪માં ૮ લોકસભા મતવિસ્તારોમાં વીવીપીએટી મશીનોનો પ્રયોગ કરી જોયો છે. દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૨માં જણાવ્યું કે, વર્તમાન સ્વરૂપમાં ઈવીએમ મશીનો “પરિવર્તન કરી ન શકાય તેવાં (ટૅમ્પર પ્રૂફ) નથી”, અને સુપ્રિમ કોર્ટે ૨૦૧૯ સુધીમાં વીવીપીએટી મશીનોને ઈવીએમની સાથોસાથ જ ઉપયોગમાં લેવા માટે પંચને આદેશ આપ્યો હતો.

પરંતુ, ભાજપના સાંસદ કિરીટ સોમૈયાના જણાવ્યાનુસાર, ચૂંટણીપંચ લગભગ ૨૦૧૯ની આ ડેડલાઇન ચૂકી જાય તેમ છે. જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે સોમૈયાએ જ ઈવીએમ-વિરોધી આંદોલન ચલાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઈવીએમ સાથે આસાનીથી ચેડાં થઈ શકે છે. તેમાં હેરફેર થઈ શકે છે અને તેને હૅક પણ કરી શકાય છે.” પરંતુ ૨૦૧૪માં જ્યારે ભાજપ સત્તા પર આવી ગયો ત્યાર પછી તેમનું વલણ બદલાઈ ગયું છે અને હવે તેમને સિસ્ટમમાં કંઈ જ ખોટું લાગતું નથી.

જૂનાં ઈવીએમને બદલે વીવીપીએટી મશીનો લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે તેના માટે રૂપિયા ૫૦૦૦ કરોડની ફાળવણી કરી છે, પણ બધાં જ મશીનો રિપ્લેસ કરવામાં ૧૦-૧૨ વર્ષ જેટલો સમય લાગશે. સુધારો એક સતત થતી પ્રક્રિયા છે અને તેમાં સમય લાગે છે. (શિવસેનાના વડા) ઉદ્ધવ ઠાકરે અને (એનસીપી બૉસ) શરદ પવાર એવા આક્ષેપો કરે છે કે તેમાં નિહિત સ્વાર્થ છે. જો તેઓ એવું માનતા હોય કે ઈવીએમમાં કૌભાંડ છે, તો સૌપ્રથમ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજીનામાં આપી દેવાં જોઈએ.

– કિરીટ સોમૈયા, ભાજપના સાંસદ

ઈવીએમ હૅકિંગનું જીવંત નિદર્શન (લાઇવ ડેમોન્સ્ટ્રેશન)

ભાજપ આજે સિસ્ટમથી ખુશ છે, પરંતુ ૨૦૧૪ પહેલાં તેણે ઈવીએમના દુરુપયોગની અને તેમાં ગેરરીતિની ફરિયાદ કરી હતી. વાસ્તવમાં હૈદરાબાદના એક ટૅક-નિષ્ણાત હરિપ્રસાદે ઈવીએમ સાથે વિવિધ તબક્કે કઈ રીતે ચેડાં થઈ શકે તેનો ૨૦૧૦માં યોજાયેલા એક ઈવીએમ-વિરોધી કાર્યક્રમમાં વિગતવાર ડેમો કરી દેખાડ્યો તે કાર્યક્રમમાં સાંસદ સોમૈયા અને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ બંને હાજર હતા.

મુંબઈમાં કલેક્ટર કચેરીમાંથી ઈવીએમની ચોરીના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરી લેવાઈ હતી. આ કેસ જેમણે સંભાળ્યો હતો તે પોલીસ અધિકારીએ આ વાત તાજેતરમાં ‘મૅક્સ મહારાષ્ટ્રા’ને જણાવી છે.

આજે (ભાજપ સામે) અનેક આક્ષેપો થાય છે. જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપે આવા જ આક્ષેપો કર્યા હતા. આપણી લોકશાહીમાં રાજકીય પક્ષોનો અગ્રતાક્રમ સમય સાથે બદલાતો જાય છે. મને બહુ ગુસ્સો આવે છે.

– સંજીવ કોકિલ, નિવૃત્ત પોલીસ અધિકારી

Panakaj (27)  રાજ્ય ચૂંટણીપંચે જણાવ્યું છે કે, સમગ્ર ચૂંટણીપ્રક્રિયા તદ્દન પારદર્શક અને ફુલપ્રૂફ છે. ‘ધ ક્વેન્ટ’ સાથે વાત કરતાં મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી કમિશ્નર જે.એસ. સહારિયાએ જણાવ્યું કે, પેપર-ટ્રેઇલ મશીન અપનાવવામાં અનેક પ્રશ્નો છે.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, વીવીપીએટી સિસ્ટમ માત્ર તબક્કાવાર જ અમલી કરવી. ભારતીય ચૂંટણીપંચે સુધ્ધાં તેને પ્રયોગાત્મક ધોરણે જ ચકાસી જોઈ છે. પુરવઠા અને ફાયનાન્સ સહિત આમાં અનેક પ્રશ્નો છે. અમે સુપ્રિમના આદેશ અનુસાર તેને લાગુ કરીશું.

– જે. એસ. સહારિયા, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નર

પુણે, નાસિક, કોલ્હાપુર અને અમરાવતી ખાતે વિરોધી દેખાવો યોજાયા તે અંગે પૂછતાં તેમણે રાજ્યમાં કોઈ પણ સ્થળે પુનઃમતદાનની શક્યતાને તેમણે ફગાવી દીધી હતી.

અમે પૂરતી કાળજી લઈએ છીએ. પોલિંગ એજન્ટોની હાજરીમાં મશીનોને સીલ મરાય છે. મશીનો સાથે ચેડાં થવાની બિલકુલ શક્યતા જ નથી. દરેક કિસ્સામાં તે ટૅમ્પર-પ્રૂફ હોય છે. ફરિયાદોમાં માત્ર શંકા વ્યક્ત કરાઈ છે. જો કોઈ વ્યક્તિ પુરાવા રજૂ કરે તો અમે ચોક્કસ તેની તપાસ કરીશું. પરિણામો જાહેર થઈ ગયાં છે તેથી પુનઃમતદાનની કોઈ સિસ્ટમ નથી.

પુણે, નાસિક અને મુંબઈમાં પરાજિત થયેલા ઉમેદવારોએ ‘ઈવીએમ કૌભાંડ’ની સામે હાઈકોર્ટમાં જવાની જાહેરાત કરી છે.

એક વાર આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચે, પછી ચૂંટણીપંચે અને કેન્દ્ર સરકારે અદાલતને પેપર ટ્રેઇલ (વીવીપીએટી) મશીનો લાગુ કરવાની પ્રક્રિયા વિશે જણાવવું પડશે. કેમ કે, અદાલત સંપૂર્ણ રીતે માને છે કે વર્તમાન ઈવીએમ-આધારિત સિસ્ટમમાં જ્યાં સુધી પેપર-ટ્રેઇલ જોડવામાં ન આવે ત્યાં સુધી તેને ફુલપ્રૂફ કહી ન શકાય.

(સૌ. ધ કિવન.કોમ)