(એજન્સી) મુઝફ્ફરનગર, તા.પ
દલિત સંગઠન ભીમસેનાના કાર્યકરોએ મહારાષ્ટ્રમાં દલિત સમુદાય ઉપર થયેલી હિંસાનો અહીંની કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા ગુરૂવારે સાંજે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને તેમણે ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પ્રદર્શનકર્તાઓએ તેમના નેતા વૈભવ બાવરાની આગેવાનીમાં જિલ્લા ન્યાયાધીશને એક આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયું હતું. જેમાં દલિતોએ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં દલિત સમુદાયના લોકોનું રક્ષણ કરવા નિષ્ફળ રહી છે. તેથી સરકારને બરખાસ્ત કરવી જોઈએ. ૧ જાન્યુઆરીએ જ્યારે દલિત સમુદાયના લોકો પુણેમાં ભીમ-કોરેગાંવ યુદ્ધની દ્વિતીય શતાબ્દીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે હિંસા ફાટી નીકળી હતી. ભીમ-કોરેગાંવ યુદ્ધમાં અંગ્રેજોએ મહારાષ્ટ્રના પેશ્વાઓને હરાવ્યા હતા. દલિતો અંગ્રેજોના વિજયની ઉજવણી કરે છે. કારણ કે એ લોકો માને છે કે મહાર સમુદાયના લોકો ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં સામેલ હતા જ્યારે મહારાષ્ટ્રના પેશ્વાઓ બ્રાહ્મણ હતા. આથી તેમની સામે થયેલા આ વિજયને દલિતો તેમના અશક્તિકરણ પ્રતીકરૂપે ગણે છે.