(એજન્સી) મુંબઇ, તા. ૭
મહારાષ્ટ્ર અને કોકણ પ્રદેશમાં શુક્રવારે રાત્રિએથી પડી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. ભારે વરસાદને કારણે થાણે, નવી મુંબઇ, મલાડ, બોરીવલી, પોવઇ, ભાંડુપ, બાદલપુર અને કલ્યાણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી શનિવારે વહેલી સવારે એક કલાક સુધી ટ્રેન સેવાઓ પણ ખોરવાઇ ગઇ હતી. માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. હવામાન વિભાગના વિજ્ઞાની અજય કુમારે આગામી પાંચ દિવસમાં કોંકણ ગોવા અને મુંબઇમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોવાની આગાહી કરી છે. જિલ્લા સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નાગપુરમાં ભારે વરસાદને કારણે ૧૨મા ધોરણ સુધીની બધી સ્કૂલો શનિવારે બંધ રાખવામાં આવી હતી અને આગામી ૨૪ કલાકમાં શહેરમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. નાગપુરમાં શુક્રવારે માત્ર ૯ કલાકમાં જ ૨૬૫ એમએમ વરસાદ પડયો હોવાથી શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે રેલવેના પાટા પર પાણી ફરી વળવા અને નબળી વિઝીબિલીટીને કારણે અડ્‌ધા કલાક સુધી ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. સવારે ૧૧-૩૦ વાગ્યા બાદ પરાની ટ્રેન સેવાઓ સામાન્ય થઇ હતી. ઉલ્હાસ નદીમાં શનિવારે સવારે જળ સપાટી ઝડપથી વધી જવાને કારણે કલ્યાણ, મિલાપ નગર અને ડોમ્બીવલીના આસપાસના વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જો વરસાદ આટલી તીવ્રતાથી ચાલુ રહેશે તો, નદીઓની જળસપાટી ભયજનક સપાટી વટાવી જવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકમાં થાણેમાં ૪૦ સીએમ વરસાદ નોંધાયો છે.