(એજન્સી) તા.૨૭
રવિવારે મહારાષ્ટ્રના મુસ્લિમોએ મુસ્લિમ આરક્ષણ સંયુક્તા કૃતિ સમિતિ(મુસ્લિમ રિઝર્વેશન જોઈન્ટ એક્શન કમિટી)ની રચના કરી હતી. આ સમિતિની રચના સરકાર પર દબાણ વધારવા માટે કરવામાં આવી છે કે જેથી કરીને સરકાર પર દબાણ વધારી શકાય કે તેણે જે વાયદો કર્યો હતો કે નોકરીમાં અનામત આપીશું તે વાયદો પૂરો કરવામાં આવે. આ સમિતિની રચના મુસ્લિમ સંગઠનો, રાજકીય નેતાઓ, વિદ્વાનો, બુદ્ધજીવીઓ, વકીલો, વ્યવસાયિકો તથા અન્ય ક્ષેત્રની હસ્તીઓ દ્વારા કરાઇ છે. તેઓ પોતાના અધિકાર મેળવવા માટે લડી રહ્યાં છે. અગાઉ જ્યારે પૃથ્વીરાજ ચવ્હાણના નેતૃત્વ હેઠળની ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર હતી ત્યારે એક વટહુકમ જાહેર કરાયો હતો કે મરાઠાઓને નોકરીઓમાં ૧૬ ટકા અને સરકારી નોકરીઓમાં મુસ્લિમોને ૫ ટકા અનામત આપવામાં આવશે. જોકે શૈક્ષણિક સંસ્થાનો અંગે પણ આ નિયમ લાગુ પડતો હતો. જોકે તેના બાદ બોમ્બે હાઈકોર્ટે આ અનામત રદ કરી નાખી હતી. આ અનામતને રાજકીય પ્રેરિત ગણાવતાં મુંબઈ હાઈકોર્ટે મરાઠાઓનું અનામત સંપૂર્ણપણે રદ કરી નાખી હતીં પરંતુ મુસ્લિમોને ફક્ત શૈક્ષણિક સંસ્થાનોમાં ૫ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. જોકે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમકોર્ટે પણ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ટેકો આપતા તેને યથાવત્‌ રાખ્યો હતો. જોકે તાજેતરમાં મરાઠા સમાજના લોકો દ્વારા અનામત માટે ધારદાર દેખાવો કરવામાં આવતાં મુસ્લિમોએ પણ પોતાનો અવાજ ઊઠાવ્યો છે અને અનામતની માગણી કરી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ હુસૈન દાલવાઈએ કહ્યું હતું કે હાલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં બંનેમાં ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્ર સરકારે હવે કેન્દ્ર સરકારની મદદથી મુસ્લિમોના અનામત માટે કામ કરવાની તાતી જરૂર છે. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કાળમાં રચવામાં આવેલી રાજેન્દ્ર સચ્ચરની સમિતિના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો.