(એજન્સી) મુંબઇ, નવી દિલ્હી, તા. ૩૧
મહારાષ્ટ્ર પોલીસના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પરમવીરસિંહે ૨૮મી ઓગસ્ટે પુણે પોલીસની ટીમ દ્વારા સમગ્ર દેશમાં પાડવામાં આવેલા દરોડા અને પાંચ ડાબેરી કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડનો બચાવ કર્યો છે અને એવો દાવો કર્યો કે તેલગુ લેખક અને કવિ વરવરા રાવ અને સુધા ભારદ્વાજ સહિત ધરપકડ કરાયેલા કાર્યકરોના પ્રતિબંધિત નક્સલવાદી સંગઠનો સાથે સંબંધો હોવાનું પુરવાર કરવા માટે પોલીસ પાસે પુરતા પુરાવા છે. તેમણે જણાવ્યું કે માઓવાદી સંગઠનો દ્વારા મોટું કાવતરૂં ઘડવામાં આવ્યું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન મહત્વના ઘણા પુરાવા પણ મળ્યા છે.
પૂનાના ભીમા-કોરેગાંવમાં દલિતોના કાર્યક્રમ બાદ ભારે હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસાની ઝાળ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને પણ લાગી હતી. આ મામલા સાથે જ સંકળાયેલા કેટલાક લોકોએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ કોઈ રોડ શોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હોવાના પુરાવાના આધારે રાજધાની દિલ્હી સહિતના અનેક ઠેકાણેથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમની તપાસના આધારે વધુ પાંચ બુદ્ધિજીવીઓની ધરપકડ કરવામાં આવતા દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે સ્પષ્ટિકરણ આપતા મહારાષ્ટ્ર પોલીસ એડીજી પરમવીર સિંહે કહ્યું હતું કે, દરોડાની કાર્યવાહી દરમિયાન ઘણું બધુ સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે. હાથ લાગેલા પુરાવાઓ દર્શાવે છે કે, સીપીઆઈ માઓવાદીઓનું ષડયંત્ર હતું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવામાં આવે અને ત્યાર બાદ સરકારને ઉથલાવી દેવામાં આવે. એડીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. સીઝ કરવામાં આવ્યા બાદ આરોપીઓને તેની કોપી આપવામાં આવશે. પંચનામું પણ કાયદા અનુંસાર જ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, પુરાવાઓને ફોરેંસિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે. પોલીસ તપાસમાં એવી જાણકારીઓ પણ હાથ લાગી છે કે, મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, જેમાં માઓવાદી સંગઠનો પણ શામેલ હતાં. તેઓ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ મારફતે પોતાનું લક્ષ્ય સાધવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દિશામાં ૮ જાન્યુઆરીથી તપાસ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ૬ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.