(એજન્સી) મુંબઇ, તા. ૨
મહારાષ્ટ્રના ધુલેમાં રવિવારે પાંચ લોકોને એક રૂમમાં પુરી ઢોર માર મારીને હત્યાના કેસમાં પોલીસે ૨૩ લોકોની ધરપકડ કરી છે. બાળકો ઉઠાવી જનાર ટોળકીની અફવાને પગલે તેમને માર મારવામાં આવ્યો હતો. હત્યાની ઘટનાવાળું રૈનપાડા પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે અને ટોળા દ્વારા હુમલામાં ભાગ લેનારાઓને પોલીસ શોધી રહી છે. તાજેતરમાં ઘણા રાજ્યોમાં જે રીતે અફવાઓ ફેલાયા બાદ હુમલાઓ થઇ રહ્યા છે તે જ રીતે મહારાષ્ટ્રમાં પણ આ ઘટના બનવા પામી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. પોલીસે કહ્યું છે કે ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. મોબાઇલ વીડિયો ક્લિપમાં દેખાતા વધુ હુમલાખોરોને પકડવા માટે પોલીસે પાંચ ટીમો બનાવી છે.
૨. ગોસાવી જિલ્લાના માર્યા ગયેલા લોકો મોટા ભાગે વિચરતી જાતિના લોકો છે અને ભીખ માગી ગુજરાન ચલાવે છે. આ જૂથ રવિવારે સરકારી બસમાં સોલાપુરથી અહીં પહોંચ્યું હતું અને પીંપાનેરમાં તંબુ નાખ્યા હતા. આમાંથી સાત પુરૂષો ધુલેથી ૧૪૦ કિલોમીટર દૂર આવેલા રૈનપાડા પહોંચ્યા હતા અને ત્યાં ભીખ માગી રહ્યા હતા.
૩. બસના કર્મચારીએ તેમને રવિવારનું બજાર શોધવા કહ્યું હતું. તેમાંથી એક ઘરે ઘરે ભીખ માગવા ગયો અને એક બાળક સાથે વાત કરતો દેખાયો હતો તે જ સમયે ગામલોકો અહીં આવી ચડ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો.
૪. પોેલીસ અનુસાર લોકોના મુખેથી થતી વાતો વોટ્‌સએપ દ્વારા સમગ્ર ગામમાં પ્રસરાઇ હતી અને તેના કારણે અજાણ્યા લોકો ગામલોકોના આક્રોશનો ભોગ બન્યા.
૫. આ બહારના લોકોને ગામલોકોના ટોળેટોળા ઘેરી વળ્યા હતા અને બાદમાં તેમને પંચાયતના એક રૂમમાં પુરી દીધા હતા તે પછી ગામના મોટા લોકોએ તેમની સાથે શું કરવું તે નક્કી કર્યું હતું.
૬. સ્થિતિ ત્યારે બગડી જ્યારે ગામના એક ટોળાએ દરવાજો તોડી નાખ્યો અને પથ્થરો, લાકડીઓ, પાઇપો જેવા હાથવગા હથિયારો વડે તેમના પર ઘાતકી હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ ખુની ખેલ ખેલાયો હતો જેમાં પીડિતોના શરીરમાંથી લોહી વહેલા લાગ્યું પરંતુ તેઓ તેમને મારતા જ રહ્યા. આ આખી ઘટના સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં જોઇ શકાય છે.
૭. મહારાષ્ટ્રના માલેગાંવમાં સોમવારે આવી જ ઘટના બની હતી જોકે, પોલીસે સમય સૂચકતા દાખવતા પાંચ લોકોનો બચાવી લેવાયા હતા. પાંચ લોકો પર ફરીવાર બાળકો ઉઠાવી જનારાઓની અફવા ફેલાવી હુમલો કરાયો હતો.
૮. આસામ અને ત્રિપુરામાં પણ આજ પ્રકારના હુમલાઓ થયા હતા. આસામના ગુવાહાટીમાં એક ખુબ જ જરૂરીયાતમંદ મહિલાને થાંભલા સાથે બાંધી ટોળાએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે કહ્યું કે, ટોળું તેને અપહરણ કરનારી સમજી રહ્યું હતું.
૯. ત્રિપુરામાં પણ ગુરૂવારે ઉત્તરપ્રદેશના એક વ્યક્તિને બાળકો ઉઠાવી જનારાની શંકામાં ટોળા દ્વારા માર મારી મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી. આ જ દિવસે દક્ષિણ ત્રિપુરામાં આવી જ અફવાને પગલે એક ૩૩ વર્ષના વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી.
૧૦. ગયા મહિને આસામમાં ફરવા ગયેલા બે મિત્રોને પણ અફવાઓને પગલે ટોળા દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

મહારાષ્ટ્ર લિંન્ચિંગ : પાંચ પીડિતોના
પરિવારજનનો મૃતદેહ લેવા ઈન્કાર

(એજન્સી) ધુલે, તા. ૨
બાળકો ઉઠાવી જવાની શંકામાં રવિવારે મહારાષ્ટ્રા ધુલે જિલ્લાના રૈનપાડા ગામમાં ટોળા દ્વારા પાંચ લોકોને રહેંસીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પાંચ લોકોના પરિવારજનોએ તેમના મૃતદેહ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે માગણી કરી હતી કે ઘટનામાં સંડોવાયેલા તમામ ગામલોકોની ધરપકડ કરવામાં આવે અને પીડિતોના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે. આ પીડિતો ધુલેથી ૬૦૦ કિલોમીટર દૂર આવેલા સોલાપુરના વતની છે. રહેંસીને મોતને ઘાટ ઉતારાયેલા તમામ પાંચ લોકોના મૃતદેહ ધુલેની સિવિલ હોિસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને તેમના પરિવારજનો તથા સોલાપુરના તેમના સમાજના નેતા રૈનપાડાની મુલાકાત લે તેવી સંભાવના છે. એક પીડીતના પરિવારજને કહ્યંું કે, તેઓ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારોમાં ભવિષ્યવાણી કરી ભીખ માગી રહ્યા હતા. તેઓને માર મારીને મોતને ઘાટ ઉતારાયા ત્યાં સુધી તેઓ દયાની ભીખ માગતા રહ્યા. આ આખી ઘટનામાં અમે ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી રહ્યા છે.

નાસિકમાં પોલીસે પાંચ અપહૃતોને ટોળા પાસેથી છોડાવ્યા

(એજન્સી) નાસિક, તા. ૨
માલેગાંવના આઝાદનગરમાં એક મકાનમાં પુરી રખાયેલા પાંચ લોકોને પોલીસે છોડાવ્યા હતા. આ લોકોને બાળકો ચોરી જવાની શંકામાં અપહ્યત બનાવાયા હતા. ટોળા દ્વારા બંધક બનાવાયેલા તમામ પાંચ લોકોની સાથે પણ અન્ય રાજ્યોની જેમ બાળકો ઉઠાવી જનારાની શંકામાં રહેંસી નાખવાની ઘટના બની હોત પરંતુ પોલીસે સમયે પહોંચીને તમામને ટોળા પાસેથી છોડાવ્યા હતા. રૈનપાડાની ઘટનામાં ધુલેના એસપી એમ રામકુમારે જણાવ્યું કે, અમે આ કેસમાં વધુ આરોપીઓને ઓળખી કાઢ્યા છે. આ માટે પાંચ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે. ધુલેના રૈનપાડા ગામમાં બાળકો ઉઠાવી જનારાઓની શંકામાં પાંચ ભિક્ષુકોને ગામલોકોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા.