નાંદેડ, તા. ૧૨
મહારાષ્ટ્રની નાંદેડ મહાનગર પાલિકા ચૂંટણીના પરિણામ આવી ગયા છે જેમાં કોંગ્રેસે ભાજપ સહિત તમામ પક્ષોના સૂપડાં સાફ કરી દીધા છે. ૧૧મી ઓક્ટોબરના રોજ યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ ૮૧ બેઠકો પર મતદાનથયું હતું જેમાં કોંગ્રેસે ૭૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ ભાજપે માત્ર છ બેઠકોથી સંતોષ કરવો પડ્યો હતો. શિવસેનાને એક જ્યારે અપક્ષને એક બેઠક મળી હતી. કોંગ્રેસે મોવળી મંડળે અહીં મળેલા પ્રચંડ વિજય બદલ અશોક ચવ્હાણને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસની સહયોગી પાર્ટી એનસીપી અને એઆઇએમઆઇએમ ખાતુ ખોલવમાં સફળ રહી નહોતી. ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી જોકે, પરિણામ બાદ તેઓ ઉત્સાહમાં આવી ગયા હતા. તેમણે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસને સમર્થન માટે લોકોનો આભાર માનતા જીત લોકોને સમર્પિત કરી હતી.
નાંદેડ મહાપાલિકામાં મતદાન પહેલા ભાજપના વરિષ્ઠ મંત્રીઓ સહિતો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પોતે પણ જોરદાર પ્રચારમાં ઉતર્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવ્હાણ ત્રણ સપ્તાહ સુધી વિસ્તારમાં જ રહ્યા હતા. પ્રચાર માટે કોંગ્ર્‌સેના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ અહીં આવી ચૂક્યા હતા. વર્ષ ૨૦૧૨માં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને અહીં ૮૧માંથી ૪૧ બેઠકો મળી હતી. જ્યારે ૧૨ બેઠકો શિવસેનાને મળી હતી જે બીજા નંબરે રહી હતી. એઆઇએમઆઇએમ ૧૧ બેઠકો સાથે ત્રીજા નંબરે જ્યારે ભાજપે ફક્ત બે બેઠકોથી સંતોષ કરવો પડ્યો હતો. નાંદેડમાં પહેલીવાર કેટલાક સ્થળો પર વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

મુંબઇ નગર નિગમની પેટા ચૂંટણીમાં જીત સાથે ભાજપ શિવસેના કરતાં ફક્ત બે સીટ પાછળ
બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવતાની સાથે જ ભાજપ કોર્પોરેશનમાં શિવસેના કરતા ફક્ત બે સીટ પાછળ રહી ગયું છે. ભાજપના મહિલા ઉમેદવાર જાગૃતિ પટેલે પ્રતિસ્પર્ધી શિવસેનાના મિનાક્ષી પાટિલને કટોકટીભર્યા ચૂંટણી જંગમાં ૪૦૦૦ મતો કરતા વધુથી હરાવ્યા હતા. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો જેમાં તેની ૩૧માંથી વધુ એક સીટ ઓછી થઇ ગઇ હતી. અગાઉ યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીઓમાં જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર પ્રતિમા પાટિલનું એપ્રિલમાં નિધન થયા બાદ ભાંડુપ વિસ્તારની પેટા ચૂંટણી યોજાઇ હતી. ૨૨૭ સભ્યોવાળી કોર્પોરેશનમાં હવે ભાજપની ૮૩ જ્યારે શિવસેના ૮૪ બેઠકો સાથે બહુમતી પર છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીઓમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી અને બહુમતી માટેના ૧૧૪ના જાદુઇ આંકડા સુધી કોઇ પહોંચી શક્યું નહોતું. બાદમાં ભાજપે મેયર પદનો દાવો છોડતા ગઠબંધન સાથે શિવસેનાના સભ્ય મેયર બન્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ શિવસેનાએ ભાજપને ટેકો આપ્યો છે.