સુરત, તા.૧૭
ફોર વ્હીલ ચોરી કરતી આંતર રાજય ગેંગનો મુખ્ય સુત્રધાર મનિષ આર્થર જેલમાં યુપીવાસી યુવકને મળ્યા બાદ ચોરી કરવા માટે ગેંગ બનાવી હતી. ત્યારબાદ આ ગેંગ એમપી, યુપી, ગુજરાત અને મહારાષ્ટ્‌માંથી ગાડીઓ ચોરી કરી મનિષને આપતી હતી. અને મનિષ તે ગાડીઓનું વેચાણ કરતા હોવાનંુ સામે આવ્યું છે.
ગાડી ચોરનાર મનિષ ચોવટીયા અગાઉ સુરત ક્રાઇમ બ્રાંચના હાથે બે વાર પકડાઇ ચુકયો છે અને તે દરમ્યાન મનિષ મહારાષ્ટ્રના ગુનામાં આર્થટ જેલમાં હતો તે વખતે તેની મુલાકાત યુપીના અનહદ અલી કુરેશી સાથે થઇ હતી. તે દરમ્યાન મનિષે ચોરીના વાહન લેવાના ગુનામાં જેલમાં આવ્યા હોવાનું અનહદ અલીને જણાવ્યું હતું. ત્યારે અનહદ અલીએ પોતે વાહન ચોરી કરતા છોકરાઓની ગેંગ ચલાવે છે અને તેની પાસે ફોર વ્હીલ ગાડી ચોરી કરતા ૧૦થી વધુ છોકરાઓ છે અને ગુજરાતમાં સેટીંગ હોય તો ચોરીની ગાડી પાર્સીંગ કરી સરળતાથી વેચાણ થઇ શકે છે. તે અંગે મનિષે હા પાડી તેનું ગોઠવણ કર્યું હતંુ. ત્યારબાદ જેલમાંથી છુટ્યા બાદ અનહદ અલી અને તેના સાગરીતોએ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્‌ અને યુપીમાં અલગ અલગ ફોર વ્હીલ ગાડીઓ ચોરી કરી મનિષનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ કામરેજ હાઇવે પર પેટ્રોલ પંપ પાસે ગાડી મૂકી કાર ખુલ્લા રાખીને જતાં રહેતા હતા. ત્યારબાદ મનિષ આ ગાડીનો કબજો લઇ તેની રી પાર્સીંગ કરાવી ગ્રાહકોને ગાડી વેચી દેતો હતો. ખાસ કરીને આ ગેંગ મોટાભાગે ટવેરા, બોલેરો અને સેવરોલેટ બીટની ગાડીઓ ચોરતા હતા. પોલીસે આઠ ટવેરા, પાંચ બોલેરો, એક ઇકો, સેવરોલેટ બીટ, વરના અને મારૂતિ અર્ટીગા મળી કુલ ૧૯ ગાડીઓ કબજે કરી હતી તથા અગાઉ ત્રણ ગાડી બિનવારસી હાલતમાં બાપોદ પોસ્ટેમાં પોલીસે જમા કરી હોવાની પણ વિગતો સામે આવી છે. મનિષ ચોવટીયા અગાઉ ગુજરાત , મહારાષ્ટ્ર અને દમણ ખાતે ૧૫થી વધુ ફોર વ્હીલ ગાડી ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો હતો. હાલ પોલીસે ગુજરાતનાં પાંચ, એમપીના ૧૨ અને મહારાષ્ટ્રનો એક ગુનો ઉકેલી કાઢ્યો છે.