બોડેલી, તા.ર૧
બોડેલી-નસવાડી રોડ પર તાંદલજા ગામ પાસે ગુજરાતના ધાર્મિક સ્થળોના દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલ પાટીલ પરિવારની ગાડી અને સામેથી આવતા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાટીલ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ૬ જણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
તા.૧પથી મહારાષ્ટ્રથી ગુજરાતના ધાર્મિક સ્થળોના દર્શન માટે પાટીલ પરિવાર મેક્સ જીપ લઈને નિકળ્યા હતા. આજરોજ પાવાગઢ દર્શન કરી જલગાંવ (મહારાષ્ટ્ર) ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બપોરે ૩ઃ૩૦ વાગ્યાના સુમારે બોડેલી-નસવાડી રોડ પર તાંદલજા ગામ પાસે બોડેલી તરફ આવતી ટ્રક અને મહારાષ્ટ્ર પરત જઈ રહેલા પાટીલ પરિવારની ગાડી સામસામે ભટકાતા પાટીલ પરિવારના ચાર સભ્યો (૧) સુનિલ પુંઠલીક પાટીલ, (ર) કવિતા વિલાસ પાટીલ, (૩) યામિની સુનિલ પાટીલ, (૪) ભગત અર્થે (ગાડીચાલક) તમામ રહેવાસી જલગાંવ (મહારાષ્ટ્ર)ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે (૧) શીલાબેન સુનિલ પાટીલ, (ર) કનક સુનિલ પાટીલા, (૩) ઉપાસના સુનિલ પાટીલ, (૪) રાજનંદની વિલાસા પાટીલ, (પ) ઉદય વિલાસ પાટીલ, (૬) વિલાસ લોટન પાટીલ આ સમગ્ર છ જણને બોડેલી ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતા.