(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા. ૧૦
સાવરકુંડલા વન વિભાગ નોર્મલ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ -થતા સુરત એમડી ગ્રુપનાં સહયોગથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર એશિયાખંડમાં ગીરનું ગૌરવ તથા સૌરાષ્ટ્રનું આભૂષણ ગણાતાં એવા તથા ગુજરાત રાજ્યનું રાજ્યપ્રાણી ગણાતાં એવા સિંહ અંગેની જાગૃતિ માટે સાવરકુંડલા શહેરમાં તમામ સરકારી, ખાનગી શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, તથા માનવ મંદિરના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા સિંહ સંરક્ષણ માટે શહેરના જાહેર માર્ગો પર સિંહોના મહોરા પહેરી બેનરો, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. જેમાં ૫૬૦૦ જેટલાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ઉપરાંત શાળા કોલેજના શિક્ષકો અને પ્રિન્સીપાલ પણ હાજર રહ્યા હતાં, સિંહ માટે લોકજાગૃતિ અંગેની મહારેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ સિંહ દિવસના સાવરકુંડલા તાલુકાના કન્વીનર હાજી દિલાવરખાન પઠાણ, સહસંયોજક સતિષભાઈ પાંડે અને મહેબુબખાન પઠાણ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પુરી ટીમે વન વિભાગ નોર્મલ રેન્જના સાવરકુંડલાના આર.એફ.ઓ ભાટીયા તથા સમગ્ર સ્ટાફની સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી ત્યારે કાર્યક્રમનાં સહયોગી : ભગીરથભાઈ પીઠવડી વાળા એમ.ડી.ગ્રુપ-સુરત દ્વારા સમગ્ર કાર્યક્રમને સ્પોન્સર કરવામાં આવ્યો હતો.