(એજન્સી) તેલઅવીવ,તા.૧
ઈઝરાયેલ આધારિત મકા બ્રુવરીની લીકરની બોટલ પર મહાત્મા ગાંધીની તસવીરથી વિવાદ સર્જાયો છે. ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્માતાઓ સુધી આ મુદ્દો લઈ જવા વિનંતી કરાઈ છે.
મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશનના અધ્યક્ષ બંને દેશના વડાપ્રધાનને પત્ર લખી આ અંગે પગલાં લેવા માંગ કરી હતી. અધ્યક્ષ એબી જે.જોસએ આ પગલાને અયોગ્ય ગણાવતા કહ્યું કે, શરાબની આ બોટલની ડીઝાઈન અમિત શીમોની નામના વ્યકિત દ્વારા કરવામાં આવી હતી. કેરળના કોટ્ટાયમ આધારિત સંસ્થાના અધ્યક્ષ જોસએ કહ્યું કે આ ઉત્પાદન ગાંધીની મજાક સમાન છે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અપમાનજનક તસવીર શરાબની બોટલો અને વેબસાઈટ પરથી દૂર કરવા તાત્કાલિક પગલાંની માગ કરી છે. જોસે આગળ કહ્યું કે, માદક પદાર્થોના સેવન અને ઉત્પાદનના કટ્ટર વિરોધી ગાંધીએ દેશમાં શરાબના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મુકયો હતો.