(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૦
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે આગામી દિવસોમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તે માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. ભાજપ માટે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની બે બેઠકો જીતવાનો પડકાર છે. કેમ કે, બંને બેઠકો કોંગ્રેસની હોઈ તે જાળવી રાખવા કોંગ્રેસ મરણીયું બનશે. આવામાં ધવલસિંહ ઝાલા માટે વધુ એક પડકાર અગ્રણી નેતા શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સ્વરૂપે ઊભો થાય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વિભાનસભાની પેટાચૂંટણી માણે ભાજપ અને કૉંગ્રેસ પક્ષે તમામ બેઠકો માટેની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. બાયડ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ ધવલસિંહ ઝાલા ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યા છે, તો સામે પક્ષે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા હાલ કયા પક્ષ માંથી ચૂંટણી લડશે તે નક્કી થયું નથી. આ સાત વિધાનસભા બેઠકમાં ઉત્તર ગુજરાત ની બાયડ વિધાનસભા બેઠક પર સૌની નજર છે. વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની વાત કરવામાં આવેતો કૉંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા પૂર્વે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની ટિકિટ નિશ્ચિત માનવામાં આવે છે. આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધવસિંહ ઝાલા ને પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર માટે સૂચના આપી દેવામાં આવી છે, તો સામે પક્ષે મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જોકે, મહેન્દ્રસિંહ વાઘેલા ક્યાં પક્ષ માંથી ચૂંટણી લડશે તે હજુ સુધી નક્કી થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપમાં જોડોયેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતા શંકરસિંહની નારાજગીના કારણે ભાજપને અલવિદા કહી દીધું હતું. મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી જોઈએ તો વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી બાયડ વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સહિત મહેન્દ્રસિંહ વાઘેલાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. તે સમયે લાગી રહ્યું હતું કે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ જશે, પરંતુ તેમના પિતા શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ નામના નવા રાજકીય પક્ષ સાથે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારતાં મહેન્દ્રસિંહ વાઘેલા આ ચૂંટણી માં નિષ્કિય બન્યા હતા.