(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી બળવો કરી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપનો હરખ પૂરો અથવા તો ધાર્યું ન થતા આખરે ત્રણ જ મહિનામાં ભાજપને અલવિદા કહી દેતા રાજકીય અટકળો શરૂ થઈ જવા પામી છે. લોકસભાની ચૂંટણી અગાઉ જ આ રીતે એકાએક ટૂંકા ગાળામાં જ મહેન્દ્રસિંહ ભાજપમાંથી રાજીનામું આપી દેતા તેઓ હવે એનસીપીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ પ્રબળ બનવા પામી છે. ગુજરાત કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણી વખતે અગ્રણી નેતા અહમદ પટેલની વિરૂદ્ધમાં મતદાન કરવા માટે કેટલાક ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા હતા. તેમાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ હતા. મહેન્દ્રસિંહ વાઘેલાએ જુલાઈ માસમાં જ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી, પાર્ટી જે કહેશે તેમ કરવા અને વફાદાર રહેવાની વાતો કરી હતી. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા ભાજપને ઝાટકો લાગ્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ જીતુ વાઘાણીને પત્ર લખી રાજીનામાની જાણ કરી છે. તેમણે રાજીનામું આપવા પાછળનું કારણ વ્યક્તિગત જણાવ્યું છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. એક રીતે કહીએ તો બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડી હતી તો હવે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં ભાજપને છોડી દીધું છે. રાજીનામા બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ એનસીપી સાથે જોડાઈ શકે છે અને અગામી લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ ગોધરા, મહેસાણાથી ચૂંટણી લડી શકે છે, જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલા સાબરકાંઠાથી ચૂંટણી લડી શકે છે. બીજી તરફ એ પણ ચર્ચા ચાલી રહી હતી કે, અલ્પેશ ઠાકોર છેલ્લા થોડા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. લડાયક નેતા અલ્પેશ ઠાકોર ભાજપ તરફ ઝુકી રહ્યા હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા આ રીતે ગુજરાતમાં ઘણા રાજકીય ભૂકંપો સર્જાઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન નહીં થતા મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. પરંતુ ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તેઓ પછીથી ભાજપમાં જોડાયા હતા. પરંતુ અચાનક હવે તેમણે ત્રણ-ચાર મહિનામાં જ ભાજપ સાથે પણ છેડો ફાડી નાખતા રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે.