અમદાવાદ, તા.૧૪
રાજ્યમાં LRD ભરતી વિવાદમાં પરિપત્ર રદ કરવા અને ન કરવા મુદ્દે અનામત-બિનઅનામત વચ્ચે જંગ શરૂ થયો છે ત્યારે જો યોગ્ય નિર્ણય ન લેવાય તો બંધારણીય અધિકાર આંદોલન સમિતિ (BAAS) દ્વારા આવતીકાલે મહેસાણા બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે અલ્પેશ ઠાકોરે પણ સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી ગાંધી આશ્રમમથી ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારી છે.
ઓગસ્ટ ૨૦૧૮ના રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવા SC, ST અને OBCની યુવતીઓ છેલ્લા ૬૭ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે. તેમાં ૨૩ દિવસથી ૭ યુવતીઓ અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ સત્યાગ્રહના હસમુખ સક્સેના તથા ૭૨ કલાક માટે કોંગ્રેસના ૩ MLA પ્રતિક આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે તેમની સાથે કોઈ હજુ સુધી કોઈ ચર્ચા કરવા તૈયાર થયું નથી. જેને પગલે ઉપવાસ પર ઉતરેલી યુવતીઓ અને તેમના સમર્થક એવા આગેવાનોએ ૨૪ કલાકમાં પરિપત્ર રદ્દ કરવામાં નહીં આવે તો મહેસાણા બંધની ચીમકી આપી છે. તાત્કાલિક ધોરણે GAD પરિપત્ર રદ્દ કરવાની તેમની માંગણી છે.
પ્રેસ નોટ જારી કરીને આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, આવતીકાલે તારીખ ૧૫-૨-૨૦૨૦ના રોજ બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા મહેસાણા સજ્જડ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસસી, એસટી, ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગોની દીકરીઓને કચડતો ગેર બંધારણીય ઠરાવ ૧-૮-૧૮ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં આવતીકાલે BAAS દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ આ ગેરબંધારણીય ઠરાવમાં સુધારો કરશે. દીકરીઓને ન્યાય આ સરકાર આપશે. આ સાથે હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી હતી કે, આવનારા ૨૪ કલાકની અંદર રાજ્ય સરકાર નવો જી.આર. રજૂ કરશે, પરંતુ રાજ્ય સરકારની બેવડી નીતિ અને પછાત વર્ગને અન્યાય કરવાની નીતિના પરિણામના પગલે આજે ત્રણ દિવસ થયા હોવા છતાં નવો જી.આર સરકાર રજૂ કરી શકી નથી. જેના પરિણામને પગલે ગઇકાલે BAASના તમામ કન્વીનરો વતી અભીજીતસિંહ બારડે રાજ્ય સરકારને એની જાહેરાત યાદ અપાવતા ૨૪ કલાકમાં નવો જીઆર રજૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સરકારે નવો જી.આર રજૂ કર્યો નથી અને જી.આર રદ કર્યો નથી. જેના કારણે સમગ્ર એસસી, એસટી, ઓબીસી સમાજ દ્વારા આવતીકાલે મહેસાણા સજ્જડ બંધનું એલાન જાહેર કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસસી, એસટી, ઓબીસી સમાજની દીકરીઓ ૬૭ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે અને સરકારના કોઈપણ પ્રતિનિધિએ તેમને સાંભળવાની દરકાર સુદ્ધા લીધી નથી. જેના પરિણામે સમગ્ર એસસી, એસટી, ઓબીસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે આક્રોશ આવતીકાલે મહેસાણા બંધમાં પરિણામશે. જો સરકાર અમારી આ વાત નહીં સાંભળે તો આવનાર સમયમાં જરૂર પડશે તો સમગ્ર ગુજરાત અનિશ્ચિતકાળ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવશે.
સત્યાગ્રહ છાવણી ખાતે સમાજની સાત દીકરીઓ પૂજા સાગઠિયા, રીંકલ ચૌધરી, હેતલ ધારવાડીયા, અસ્મિતા ઝ।પડીયા, જયશ્રી રાઠોડ, દક્ષા બારૈયા, ભાવના મકવાણા અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ (BAAS)ના હસમુખ સક્સેના આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે ૨૩મો દિવસ છે. લોકરક્ષક દળની પરીક્ષામાં અનામત વર્ગની દીકરીઓના આમરણાંત ઉપવાસના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો નૌશાદ સોલંકી, ચંદનજી ઠાકોર, ઋત્વિક મકવાણા અને ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પરમાર આમરણાંત ઉપવાસ પર છે. કોળી સમાજના આગેવાન ચન્દ્રવદન પીઠાવાલા પણ સમર્થનમાં આવ્યા છે. જ્યારે રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ તેમના સમર્થનમાં સત્યાગ્રહ છાવણી ખાતે મુલાકાત લીધી હતી.
બંધારણીય અધિકાર આંદોલન સમિતિ (BAAS)ના હસમુખ સક્સેનાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી બિન અનામતના નાટકો જોઈને તથા સરકારે આપણને બોલાવવાની જગ્યાએ તેમને મંત્રણા કરવા બોલાવ્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર આપણને ગંભીરતાથી લેતી નથી અને પૂર્વગ્રહ રાખી રહી છે.