(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૧ર
મહેસાણા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ દલિત શક્તિ સંમેલન તેમજ મહેસાણાથી થરાદ સુધીની આઝાદી કૂચ યોજવામાં આવ્યું હતું. તંત્રએ કાર્યક્રમની મંજૂરી રદ કરી દીધી હોવા છતાં કોઈપણ ભોગે સંમેલન અને કૂચ યોજવાની મક્કમતાને કારણે આજે શહેરના સોમનાથ ચોકમાં જિલ્લાભરમાંથી દલિત સમાજના લોકો એકઠા થયા હતા. જેમાં જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર તેમજ દલિત યુવા અગ્રણી જિજ્ઞેશ મેવાણીએ દેશમાં પ્રવર્તમાન ગંભીર પરિસ્થિતિ અંગે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી જોરદાર ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ કાઢવામાં આવેલી આઝાદી કૂચને પોલીસે અટકાવીને ૧૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો.
જેએનયુના કનૈયાકુમારે પોતાની લાક્ષણિકતાથી કરેલા પ્રવચનમાં જણાવ્યું હતું કે મુખમે રામ ઔર બગલમાં છુરી રાખવાવાળાઓ ગાંધીજીને પાકિસ્તાન માટે જવાબદાર ગણતા હતા હવે તેઓ જ તેમના ચશ્મા લઈને દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. અત્યારે દેશ ગંભીર સ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. દલિતો, ગરીબો, ખેડૂતો, ઓબીસી, આદિવાસી અને મુસ્લિમો ઉપર અત્યાચારોની ઘટનાઓમાં વધારો થયો છે. માણસ કરતાં પશુની કિંમત વધારે આંકવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દુનિયાભરમાં ગાય ગોબર આપે છે પરંતુ ભારતમાં ગાય વોટ આપે છે. અમે કોઈનો વિરોધ કરવા એકઠા થયા નથી પણ અધિકારો અને હક માટેની લડાઈ લડી રહ્યા છીએ. અમો દેશમાં ફેલાયેલી ગરીબી, જાતિવાદ, અસ્પૃશ્યતા, અમીરી-ગરીબી જેવા દૂષણોથી આઝાદી મેળવીને જ રહીશું. આ પ્રસંગે દલિત અગ્રણી જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાત વિનાસના પંથે જઈ રહ્યું છે. ચૂંટણી વખતે ભાજપે રાજયના ૫૦ લાખ લોકોને મકાન આપવાનું વચન આપ્યું હતું તેમાંથી ૧ ટકાને પણ મકાન મળ્યું નથી. ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, નર્મદા કેનાલનું કામ અટકી પડ્યું છે, સેંકડો ગામોમાં દલિતોના સામાજિક બહિષ્કાર થતાં તેઓને હિજરત કરવાની ફરજ પડી છે.જેથી ભૂખનું વિકાસ મોડેલ દર્શાવનાર ભાજપ સરકાર સામે આઝાદી કૂચ કાઢવાની ફરજ પડી છે. વધુમાં મેવાણીએ ઉમેર્યું હતું કે દલિતો, પાટીદારો, મુસ્લિમો કે ઓબીસી વર્ગના લોકો વચ્ચે સૈદ્ધાંતિક મતભેદો હોઈ શકે છે પરંતુ હવે, લાગેલા કલંકને દૂર કરવા સાથે મળીને લડત આપવાનો સમય પાકી ગયો છે. આ દલિત સંમેલનમાં પાસના અગ્રણી રેશમા પટેલ, એડવોકેટ સમશાદ પઠાણ, સાગર રબારી સહિતના આગેવાનો તેમજ દલિત સમાજના લોકો માટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંમેલન પૂર્ણ થયા બાદ જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં મહેસાણાથી થરાદ સુધીની આઝાદી કૂચ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, મંજૂરી ન હોવાને કારણે પોલીસે મહેસાણા બાયપાસ રોડ પર આવેલા ફતેપુરા સર્કલ નજીક કૂચને અટકાવી દીધી હતી અને અહીંથી જીગ્નેશ મેવાણી, કૌશીક પરમાર સહિત ૧૫૦ જેટલા અગ્રણી કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલા કનૈયાકુમાર, રેશમા પટેલ સહિતનાઓની માર્ગમાં વોટરપાર્ક સામેની જનપથ હોટલમાંથી અટકાયત કરી હતી.પોલીસે કરેલી કાર્યવાહીને પગલે એક તબક્કે દલિત સમાજમાં રોષ ફેલાયો હતો અને મહિલાઓનું ટોળું મહેસાણાના પોલીસ હેડકવાર્ટરે પહોચ્યું હતું.