(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૪
રાજકીય અને સામાજિક સ્તરે વલણ સ્પષ્ટ કરવા માટે કંગના રનૌટ દ્વારા વારંવારની ઉશ્કેરણી કરવા છતાં આલિયા ભટ્ટે દબાણમાં આવવાનું ટાળ્યું હતું. પરંતુ જ્યારે તેના મનમાં રાજકીય મુદ્દા અંગે બોલવાની વાત આવે ત્યારે આલિયાના વિખ્યાત ફિલ્મ નિર્માતા પિતા મહેશ ભટ્ટે પોતાના શબ્દોને કાપ્યા નહીં. મહેશ ભટ્ટે કતરની સમાચાર ચેનલ અલ જઝીરાના કાર્યક્રમમાં ઝુકી ગયેલા મીડિયા અને સત્તાધારી ભાજપ પર દેશમાં ઇસ્લામોફોબિયા ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો. મહેશ ભટ્ટે પત્રકાર હસનને કહ્યું કે, મને લાગે છે કે, ઇસ્લામોફોબિયાની હવાઓ ૯/૧૧ પછી આવી છે, મને નથી લાગતું કે, સરેરાશ ભારતીયો કોઇ મુસ્લિમથી ડરતા હોય. મહેશ ભટ્ટે વધુમાં કહ્યું કે, મારો કહેવાનો અર્થ છે કે, આ પ્રકારના ડરને ઊભો કરવામાં આવ્યો છે અને તેને વ્યવસ્થિત રીતે ગૂથવામાં આવ્યો છે. દિવસ-રાત અને ૨૪ કલાક મીડિયાની ચેનલો આ કામ કરી રહી છે. મહેશ ભટ્ટે કહ્યું કે, તેમને સત્તામાં રહેવા માટે અન્યોની જરૂર છે અને મુસ્લિમોથી નફરત કરવી ભાજપની લાઇફલાઇન છે. ચાલો આપણા શબ્દોને લચકદાર ના બનાવીએ.
આ જ ઇન્ટરવ્યૂમાં જાણીતા ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાસીવાદી કહીને તેમની આકરી ઝાટકણી કાઢી છે. મોદી વિરોધી અને ભાજપના ટીકાકાર તરીકે જાણીતા જાવેદ અખ્તર દ્વારા આ સૌથી આકરો પ્રહાર છે. ગુરૂવારે એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ અલ-જઝીરાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત કરી હતી તેમની સાથે આ પ્રસંગે મહેશ ભટ્ટ પણ હાજર હતા. કતાર ખાતેના અલ-જઝીરા ટીવીના પત્રકાર મેહદી હસન દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં જાવેદ અખ્તર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આકરા પ્રહાર કરતા દેખાય છે. તેમને પુછવામાં આવ્યું કે, શું નરેન્દ્ર મોદી ફાસીવાદી છે, ત્યારે અખ્તરે જવાબ આપ્યો કે, ‘‘ચોક્કસ તેઓ છે, મારા કહેવાનો અર્થ એ છે કે, ફાસીવાદીઓને તેમના માથે શિંગડા હોતા નથી. ફાસીવાદી એક વિચાર છે અને એવું વિચારવું કે આપણે એકબીજા કરતા સારા છીએ અને જે સમસ્યાઓ છે તે આવા લોકોના કારણે જ છે. જ્યારે તમે લોકોની સાથે જથ્થાબંધ નફરત કરો ત્યારે તમે ફાસીવાદી છો.
આ પહેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ડાહેરી સમર્થક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી નેતાઓને બુકાનીધારી ગુંડાઓ દ્વારા બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આતંકવાદી ગણાવ્યા હતા.આકરા શબ્દોમાં હિંદીમાં ટિ્‌વટ કરતા કશ્યપે લખ્યું હતું કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને એવુું કહેવામાં કોઇ શરમ નથી આવતી કે તમે અને તમારો ભાજપ તથા એબીવીપીના લોકો આતંકવાદી છે.