(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
બોલીવુડના જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટ નાગરિકતા કાયદાની વિરોધમાં રવિવારે મુંબઈમાં એક વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે લોકો એકજૂટ થાય અને સંદેશ આપે કે દેશ સૌનો છે. કેન્દ્ર સરકારે બનાવેલા નાગરિકતા કાયદાના વિરોધમાં મુંબઈના બી.આર.આંબેડકરના ઘર ।રાજગૃહમાં બેઠક યોજવામાં આવી હતી, જ્યાં મહેશ ભટ્ટની સાથે કોંગ્રેસ નેતા સંજય ઝા સહિત અન્ય લોકો સામેલ થયા હતા. તેમણે કોંગ્રેસના નેતા સંજય ઝા સાથે મુંબઈમાં કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને ટિ્‌વટર પર કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, ’અમે ભારતના લોકોએ ભારતને એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક તરીકે ભારત બનાવવાનું વચન આપ્યું છે.’ (આંબેડકરના નિવાસસ્થાને, બંધારણની પ્રસ્તાવના વાંચ્યા બાદ.) મહેશ ભટ્ટ આ વિરોધ પ્રદર્શનની બેઠકમાં સામેલ હતા. તેમણે કહ્યું કે, સમય આવી ગયો છે કે લોકો ઊભા થાય અને કહે કે આ દેશ અમારા સૌનો છે અને આ અમારી સૌની તાકાત અને ઈચ્છા છે, જેને છેવટે અભિવ્યક્તિ કરાઈ રહી છે. મહેશ ભટ્ટે એમ પણ કહ્યું કે, હવે વળાંક આવી ગયો છે, ભારતે રવિવારે સવારે લોકોએ સ્પષ્ટ કરી દીધું છે. અહીંયા તમારા સૌનું એકત્ર થવું એ વાતનો પુરાવો છે ભારતનો આત્મા જીવતો છે. આજે આપણે સ્વયંને ભારતના મૂળ વિચાર પ્રત્યે સમર્પિત કરીએ છીએ. જેનો આ પવિત્ર ગ્રંથમાં આપણા પૂર્વજોએ ઉલ્લેખ કર્યો છે, જેની આપણે સૌ સોગંદ લઈએ છીએ.