(સંવાદદાતા દ્વારા)
મહેસાણા તા.૧૪
મહેસાણા ખાતે ફરજ બજાવી રહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓને ગમેત્યારે છુટા કરી દેવા કે બદલીઓ કરી દેવાના મુદ્દે બુધવારની સાંજથી ૧૦૮ સેવાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.જેના કારણે ઈમરજન્સી સેવા ખોરવાઈ ગઈ હતી.જોકે,૩૦ નવા કર્મચારીઓની વ્યવસ્થા કરીને જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા રાબેતામુજબ રાખવામાં આવી હતી.દરમ્યાન ગુરુવારના રોજ ૧૦૮ સેવામાં ફરજ બજાવતા ૫૭ કર્મીઓ સામે એસ્મા હેઠળ મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તેઓની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલા આ કર્મચારીઓને આજે ચીફ જયુડીશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે મહેસાણામાં હડતાલ કરી રહેલા ૧૦૮ સેવાના કર્મચારીઓના સમર્થનમાં પહોંચેલા નવસારી, સુરત,પાટણ અને બનાસકાંઠાના કર્મચારીઓએ શહેરના રાધનપુર ચોકડી પાસે ધરણા કાર્યક્રમ યોજીને વિરોધ દર્શાવ્યો હતો.