(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૧પ
ભૂજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં માસિકધર્મની ચકાસણી કરવા ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવી ચકાસણી કરવાની ચેષ્ટાથી ચકચાર મચ્યા બાદ તા.૧પ-રના રોજ રાજ્ય મહિલા આયોગના પાંચ સભ્યો ભૂજ આવી પહોંચ્યા હતા અને ભોગબનનાર વિદ્યાર્થિનીઓ ઉપરાંત હોસ્ટેલ ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હતી. ભૂજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટીયુટ આવી પહોંચેલા મહિલા આયોગના ઉપસચિવ હંસાબેન પટેલે જણાવ્યું કે અમે તમામ વિદ્યાર્થિનીઓને રૂબરૂ મળીને તેમની વાત સાંભળી છે. ઉપરાંત ટ્રસ્ટીઓ સાથે પણ વાત કરી છે. અમારો રિપોર્ટ સંપૂર્ણ રીતે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષને આપીને સરકારમાં રજૂ કરાશે. હાલમાં આ રિપોર્ટ ગોપનીય રહેશે. બીજી તરફ મહિલા આયોગના દબાણને પગલે ભૂજ શહેર એ-ડિવિઝન પોલીસે ગર્લ્સ હોસ્ટેલના આચાર્યા રીટાબેન રાણિંગા, કો-ઓર્ડિનેટર અનિતાબેન, ગૃહમાતા રમીલાબેન અને પટાવાળા નયનાબેન વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધ્યો છે. છાત્રાઓના ગૌરવ-માનભંગ કરવા સહિતની ગુનાસર આ ફરિયાદ નોંધાઈ છે. દરમ્યાન, આ પ્રકરણમાં જવાબદારી બદલ આચાર્યા, વોર્ડન તથા કેરટેકરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી દેવાયા છે. બીજીતરફ આ પ્રકારની છાત્રાઓના માનભંગ કરવાની કુચેષ્ટાને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમોથી ખુદ પટેલ સમાજના અગ્રણીઓએ પણ કિનારો કરી લીધા છે.