(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૯
રમત-ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલો મેળવી ભારત તેમજ વડોદરાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર શહેરની મહિલા એથ્‌લેટ રઝીયા શેખ હાલ દારૂણ જીવન ગુજારી રહી છે. દેશનું નામ રોશન કરનાર આ મહિલા ખેલાડીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ૪૯ મેડલ મળ્યા છે. પરંતુ તેમની આર્થિક હાલત ખુબ ખરાબ છે. રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની જાહેરાત કરાયા બાદ પણ હજુ સુધી એકપણ રૂપિયાની મદદ કરવામાં આવી નથી તેમ રઝીયા શેખે જણાવ્યું હતું.
રઝીયા શેખે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે ૧૨ વર્ષે સૌપ્રથમ ક્રિકેટની રમતથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમને અન્ય રમતોમાં રસ જાગતા તેમણે ૧૦૦-૨૦૦ મીટરની દોડ, લોગ જંપ, ગોળા ફેંક, ચક્ર તેમજ ભાલા ફેંક જેવી રમતો શરૂ કરી હતી. પિતા રેલ્વેમાં હતા ત્યારે ૧૯૭૬-૭૭માં તેમણે વેસ્ટર્ન રેલ્વેની ૮ ડિવીઝનની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં દોડ, ગોળા ફેંક, ચક્ર અને ભાલા ફેંકમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને ત્યારથી રાષ્ટ્રીય કક્ષાએ રમવાની શરૂઆત થઇ હતી. ૧૯૯૩ બાદ રેલ્વેની સીલેકશન કમિટીમાં સ્થાન મેળવ્યું હતું. ૧૯૮૫માં પ્રથમ વાર વર્લ્ડ રેલ્વે એથ્‌લેટીકસમાં ભાગ લીધો હતો. ઉપરાંત જકાર્તામાં રમાયેલી એશિયન એથ્લેટીકમાં ભાગ લીધો હતો. ૧૯૮૬માં દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ એથ્લેટીક મીટમાં ૪૭.૮૦ મીટરે ભાલો ફેંકી નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
રમત-ગમત ક્ષેત્રે ભારત દેશ માટે ઘણું યોગદાન આપ્યું હોવા છતાં રેલ્વેનાં પેન્શનનાં આધારે રઝીયા શેખનું જીવન ભારે કપરૂ વિતી રહ્યું છે. હાલમાં તેઓ ૧૦-૧૨ની સામાન્ય ઓરડીમાં રહે છે. તેમજ પોતાની બહેન અને ભાણી સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. દેશ માટે રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ૪૯ જેટલા મેડલ મેળવનાર આ મહિલા ખેલાડીને ગુજરાતમાં સંસ્થાઓ દ્વારા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા છે. પરંતુ આર્થિક રીતે કોઇ મદદ કરવામાં આવતી નથી. ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ૫૦ વર્ષથી વધુ વયના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને દર મહિને ૩૦૦૦ની સ્કોલરશીપની જાહેરાત કરી હતી. જેના માટે ૨૫૦ જેટલા ખેલાડીઓએ અરજી કરી હતી. તેમ છતાં હજુ સુધી મહિલા ખેલાડી રઝીયા શેખને હજુ સુધી સરકાર દ્વારા એકપણ રૂપિયાની સહાય કરવામાં આવી નથી.