(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
શહેરના જુના પાદરા રોડ પર આવેલ પ્રમુખસ્વામીનગર સ્થિત ડુપ્લેકસમાં ચાલતા દેહ વેપારનાં અડ્ડા પર પોલીસે રેડ કરી દેહ વેપાર ચલાવતા દલાલની ધરપકડ કરી હતી. જ્યારે તેની મહિલા ભાગીદાર દલાલને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. મકાનમાંથી બે યુવતિઓ મળી આવી હતી.
જુના પાદરા રોડ પર સ્વામીનગર ડુપ્લેકસમાં મકાન ભાડે રાખીને ભાવેશ મનુભાઇ ઠક્કર (રહે. અંકુર એપાર્ટમેન્ટ, ગોરવા) અને નિતા ઉર્ફે નીટુ ઉદેસિંહ ગોહિલ નેપાળથી યુવતિઓને લાવીને દેહ વેપારનો ધંધો કરતાં હતા. આ બાતમીને આધારે જે.પી. રોડ પોલીસે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડયો હતો. મકાનમાંથી બે યુવતિઓ મળી આવી હતી. પોલીસે દલાલ ભાવેશ ઠક્કરની ધરપકડ કરી હતી. ભાવેશ ઠક્કર અને નિતા ઉર્ફે નીટુ મોબાઇલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરતાં હતા. અને રૂા.૨૫૦૦ થી ૩૦૦૦ની વસુલાત કરતાં હતા. ગ્રાહક સાથે સોદો થયા બાદ ગ્રાહક કહે ત્યાં યુવતિઓને મોકલી આપતા હતા. દેહ વેપારનાં દલાલો માર્ચ-૨૦૧૯ થી ધંધો કરતાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ભાવેશ ઠક્કરની ધરપકડ કરી છે. જ્યારે મહિલા ભાગીદાર નિતુ ઉર્ફે નિતા ગોહિલને વોન્ટેડ જાહેર કરી છે.