ગાયત્રીબા વાઘેલા

ઋત્વિક મકવાણા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા. ૧૧
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા તરીકેની જવાબદારી અદા કરી ચૂકેલા ગાયત્રીબા વાઘેલાની નિમણૂક કરી છે. આ ઉપરાંત ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને બઢતી આપી ગુજરાત કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક બનાવ્યા છે.
રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસના અધ્યક્ષપદે બિરાજમાન થયા છે ત્યારથી સંગઠનમાં અનેક ફેરફારો કર્યા છે. ખાસ કરીને તેઓ યુવાઓ અને નવા લોકોને તક આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં વધુ બે મહત્ત્વના પદો પર નિમણૂક કરી છે. જેમાં સૌરાષ્ટ્રને મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાજકોટના મહિલા કોર્પોરેટર અને વ્યવસાયે વકીલાત સાથે સંકળાયેલા ગાયત્રીબા વાઘેલાની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. મહિલા પ્રમુખના પદ માટે ૧પ જેટલી મહિલા અગ્રણીઓના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. જેમાંથી ગાયત્રીબા વાઘેલાના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જ્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ગુજરાત સેવા દળના ચીફ ઓર્ગેનાઈઝર (મુખ્ય સંગઠક) બનાવવામાં આવ્યા છે. ઋત્વિક મકવાણા વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.
આ બંનેની નિમણૂકને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આવકારી જણાવ્યું છે કે આ બંનેની નિમણૂકથી સેવાદળનું સંગઠન અને મહિલા કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત અને વેગવંતુ બનશે.