(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢના પોલીસ બેડામાં ચકચાર જગાવનાર મહિલા એએસઆઈની હત્યા પ્રકરણમાં પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા મળશે. હાલ તો મિલકત માટે હત્યા કરાયાનું ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં જ ‘સી’ ડિવિઝનમાંથી વિસાવદર બદલી પામેલા મહિલા એએસઆઈ કિરણબેન જોષીની તેના ઘરમાંથી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી. હત્યા બાદ પરિવારજનો-સાસરિયાઓ ફરાર થઈ જતાં આ હત્યા તેમણે જ કરી હોવાની શંકા મજબૂત બની હતી. દરમિયાન મૃતક મહિલા એએસઆઈના કેશોદમાં રહેતા ભાઈ મહેશ જોષીએ હત્યા મામલે પતિ પંકજ વેગડા, જેઠ દીપક વેગડા, સસરા ભવાનીશંકર વેગડા, સાસુ રસીલાબેન વેગડા વિરૂદ્ધ ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. મિલકત પડાવી લેવા ચારેય શખ્સોએ કાવતરૂં રચી હત્યા કર્યાનું જણાવતા ‘સી’ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન હત્યારો પતિ પંકજ વેગડા શહેરના ભવનાથ તળેટીમાં હોવાનું જાણવા મળતાં પોલીસે તેની અટક કરી પોલીસ થાણે લાવી તપાસ શરૂ કરી છે. ખાસ તો હત્યા પાછળનું કારણ મિલકત જ છે કે અન્ય અને આ હત્યામાં અન્ય કોની કોની સંડોવણી છે ? હત્યાનું કાવતરું ક્યારે ઘડાયું ? વગેરે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.