વાપી, તા. ૧૩
વલસાડ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વલસાડના મોંઘાભાઇ હોલ ખાતે યોજાયેલા મહિલા કાનુની જાગૃતિ દિવસના સેમિનાર યોજવામાં આવ્યું હતું
ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, મહિલાઓનું રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં મહત્ત્વનું યોગદાન રહયું છે, જે સરાહનીય છે. તેમણે મહિલાઓને કાયદાકીય સજાગતાના સુરક્ષા કવચ સાથે સ્વરક્ષણ કરવાની જાગૃતિ કેળવી નિર્ભય સમાજજીવન જીવવા તેમજ અભયમ એપ અંગે જાગૃતિ ગામેગામ થાય તેવો અનુરોધ કર્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ મહિલાઓને સ્વતંત્ર વિચારસરણી સાથેના મતાધિકારને પ્રોત્સાહન આપવા તેમજ અભ્યાસમાં પ્રવિણતા સાથે સાચી દિશાનું પગલું ભરી કુટુંબ અને સમાજનો ઉત્કર્ષ સાધવા અનુરોધ કર્યો હતો.
દહેજ પ્રતિબંધક અધિકારી શૈલેષભાઇ કણજરીયાએ ૧૮૧ ફોન સેવા એપ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે મહિલાઓને જાગૃતિ સહ પોતાના હક્કો મેળવવા માટે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો.
લો-કોલેજના પ્રોફેસર હેમાંગીની શાહે અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ ઘરેલુ હિંસા અંગેના કાયદાઓ અને તેમાં મહિલાઓએ ન્યાય મેળવવા શું કરવું જોઇએ તેની વિસ્તૃત જાણકારી આપી હતી. મહિલાઓને વિવિધ કાયદાઓ હેઠળ મળતા અધિકારો વિષે સમજણ આપી તેનો જરૂરિયાતના સમયે લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, તાલુકા વિકાસ અધિકારી, માલતદાર, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, વિવિધ સામાજિક સંસ્થાના મહિલા પ્રમુખો, પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડઝ, ૧૮૧-અભયમનો સ્ટાફ, લો-કોલેજની વિદ્યાર્થીનીઓ સહિત મહિલાઓ અને નગરજનો હાજર રહયા હતા.
સ્વાગત પ્રવચનમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એલ.બી.ઝાલાએ સૌને આવકાર્યા હતા.આભારવિધિ પોલીસ ઈન્સ્પેકટર એન.કે.કામળીયાએ કરી હતી.