(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ વધતી હિંસા મામલે ભાજપના પ્રવક્તા મિનાક્ષી લેખીએ કરેલા અસંવેદનશીલ નિવેદન અંગે આજે મહિલા કાર્યકરોએ મિનાક્ષી લેખીની આકરી ટીકા કરી હતી.
થોમસન રોયટર્સ ફાઉન્ડેન્શને કરેલા એક સર્વેમાં ભારતને મહિલાઓ માટે સૌથી અસલામત સ્થળ ગણાવવામાં આવ્યું હતું. લેખીએ આ અહેવાલને બોગસ ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારત કરતા વિદેશમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસાની સૌથી ખતરનાક ઘટનાઓ બને છે. નવી દિલ્હી નહીં પણ હકીકતમાં અમેરિકાનું ન્યૂયોર્ક બળાત્કારની વૈશ્વિક રાજધાની છે.
સીપીએમના નેતા અને મહિલા કાર્યકર બ્રિન્દા કરાતે જણાવ્યું હતું કે, લેખીના નિવેદનમાં ભાજપની નિષ્ઠુર માનસિકતાનું પ્રતિબિંબ જોવા મળે છે. એક મહિલા હોવાના નાતે લેખીએ ભારતમાં હિંસાનો ભોગ બનતી મહિલાઓ પ્રત્યે થોડી ઘણી સંવેદના વ્યક્ત કરવાની આવશ્યકતા હતી.
અન્ય એક મહિલા કાર્યકર કવિતા ક્રિશ્નાએ જણાવ્યું હતું કે, ભાજપ દેશમાં મહિલાઓ વિરૂદ્ધ વધતી હિંસા સામે આંખ આડા કાન કરે છે. લેખી શાસક પક્ષના પ્રવક્તા છે. જેથી તેમણે પોતાના નિવેદનોમાં થોડી પરિપકવતા લાવવાની આવશ્યકતા છે.
Recent Comments