(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
મહિલા અને બાળકલ્યાણ વિભાગે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સુધારાની માગણી કરી છે. એમની માગણી કાચા કામની મહિલા કેદીઓને જામીન ઉપર મુક્ત કરવા માટે છે. જે કાચા કામની મહિલા કેદીઓએ પોતાની ગુનાની વધુમાં વધુ સજાના એક તૃતિયાંશ ભાગની પૂર્ણ કરી હોય એમને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ. આ માટે સીઆરપીસીની કલમ ૪૩૬ એમાં સુધારો કરવામાં આવશે. હાલમાં આ કલમની જોગવાઈ હેઠળ જે કેદીએ પોતાના ગુનાની મહત્તમ સજામાંથી અડધી સજા પૂર્ણ કરી હોય એમને જામીન આપવાની જોગવાઈ છે. હવે મહિલાઓ માટે વિશેષ છૂટની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, આવી મહિલા કેદીઓ પાસેથી જામીનની રકમ પણ માંગવામાં નહીં આવશે. કેદીઓની નબળી નાણાંકીય સ્થિતિને લીધે આ ભલામણ કરાઈ છે અને વધુમાં જે મહિલાને નાના બાળકોની જવાબદારી હોય એમને સજામાં વ્યાજબી મુક્તિ આપવાની પણ ભલામણ કરાઈ છે. આ રિપોર્ટ હવે ગૃહ મંત્રાલય તરફ મોકલવામાં આવશે જેથી એ પોતાના અભિપ્રાયો મોકલી શકે. મેનકા ગાંધીએ આ રિપોર્ટનો સ્વાગત કર્યો છે. મળેલ માહિતી અને આંકડા મુજબ ર૦૧પના અંત સુધીમાં ૪ લાખ કેદીઓ ભારતની જેલોમાં છે એમાંથી ૧૭૮૩૪ મહિલા કેદીઓ છે અને એમાંથી ૧૧૯૧૬ મહિલા કેદીઓ કાચા કામની છે. મોટાભાગની મહિલા કેદીઓ ૩૦-પ૦ વર્ષની છે જેની સંખ્યા પ૦ ટકા છે. ૧૮થી ૩૦ વર્ષની ૩૧.૩ ટકા મહિલાઓ છે. દેશનીસ ૧૪૦૧ જેલોમાં ૧૮ જેલો ફકત મહિલાઓ માટે છે જેમાં ૩ હજાર મહિલા કેદીઓ છે. મોટાભાગની મહિલા કેદીઓ પુરૂષો માટેની જેલો સાથે જોડાયેલ જેલોમાં છે. જેથી એ મહિલાઓ શારીરિક શોષણનો ભોગ પણ બને છે.