અમદાવાદ, તા. ૨૮
એસ.જી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે બેફામ ઝડપે આવેલી એક કારે રિક્ષાને ટક્કર મારતાં અંદર બેઠેલી મહિલાના હાથમાંથી માત્ર ૧૨ દિવસનું બાળક રોડ પર ફંગોળાઇને પડતાં તેનું કરૂણ મોત નીપજયું હતું. મહિલા પોતાના ૧૨ દિવસના બાળકને લઇને તેના ભાઇ અને માતા સાથે રીક્ષામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને સૌ કોઇમાં માત્ર ૧૨ દિવસના બાળકના મૃત્યુના સમાચાર જાણી ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ સમગ્ર બનાવ અંગે અડાલજ પોલીસે અજાણ્યા કારચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કરૂણ બનાવની વિગત એવી છે કે, શહેરના વેજલપુર વિસ્તારમાં જૈનુલપાર્ક ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતાં ઝફરભાઇ મન્સુરીની બહેન નીલોફરને ગત તા.૧૮મી એપ્રિલના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો. દરમ્યાન ગઇકાલે સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ ઝફરભાઇ તેમની માતા ઝરીનાબહેન, બહેન નીલોફર અને માત્ર ૧૨ દિવસના ભાણિયા સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહેનના ડિલીવરી વખતના ટાંકા તોડાવવા માટે રીક્ષામાં નીકળ્યા હતા. એ વખતે વૈષ્ણોદેવી સર્કલ પાસે તેમની આગળ જતી એક રીક્ષાએ અચાનક બ્રેક મારતાં ઝફરભાઇએ પણ તેમની રીક્ષા બ્રેક મારી ઉભી રાખી હતી. એ જ સમયે પૂરપાટઝડપે આવતી એક કારના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને બેફામ રીતે હંકારી ઝફરભાઇની રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે રીક્ષા પલટી ખાઇ ગઇ હતી, એ દરમ્યાન રીક્ષામાં બેઠેલ મહિલાના હાથમાંથી ૧૨ દિવસનું ફુલ જેવું બાળક પણ ફંગોળાઇ જમીન પર પટકાયું હતું. જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઝફરભાઇ, તેમની માતા અને બહેન બાળકને લઇ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડુ થઇ ચૂકયું હતું, બાળકના પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજી બાજુ, અડાલજ પોલીસે અકસ્માત સર્જયા બાદ ફરાર થઇ ગયેલા અજાણ્યા કારચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.