(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩
ભાજપએ કેન્દ્રમાં ભારે બહુમતિ સાથે સાકાર બનાવતા હવે ભાજપના હોદ્દેદારો સભ્યો કઈને ગાંઠે તેમ લાગતા નથી. અમદાવાદના ભાજપના ધારાસભ્યે ગત રોજ જાહેરમાં મહિલાને બેરહમીથી ફટકારવાના બનેલા બનાવ અને તેના વીડિયોએ રાજ્યભરમાં ચકચાર મચાવી દેવા સાથે ફિટકારની લાગણી ઊભી કરતા ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયેલ છે. ધારાસભ્યને આ અંગે માફી માંગવાનું કહી ખુલાસો પૂછતા ધારાસભ્ય થવાણીને બરોબરનો પરસેવો આવી ગયો હતો. અગાઉ મહિલાએ હુમલો કરતા સ્વબચાવમાં હુમલો કર્યાનું નિવેદન આપનાર ધારાસભ્ય થવાણીએ હાઈકમાન્ડના આદેશ બાદ આખરે માફી માંગવી પડી હતી. તો બીજી તરફ આ સમગ્ર મામલાને દબાવવાના પ્રયાસો બાદ પોલીસે મોડેથી દબાણ થતાં અંતે ફરિયાદ નોંધી સેકન્ડ પાર્ટ ગુનો નોંધ્યો છે. અમદાવાદના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ ગતરોજ પાણી અંગે રજૂઆત કરવા આવનાર મહિલાને પોતાના કાર્યાલયની બહાર જાહેરમાં ફટકારતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થતાં રાજ્યમાં ઠેર-ઠેર ચર્ચા વ્યાપી હતી. જે અંગે આજે પણ પ્રત્યાઘાતો જારી રહેવા પામ્યા હતા. આ બનાવને લઈ ભાજપ હાઈકમાન્ડે ધારાસભ્ય પાસે ખુલાસો માંગ્યો હતો અને મહિલા પાસે માફી માંગવાનું કહેતા ધારાસભ્ય નરમ પડ્યા હતા. અગાઉ ધારાસભ્ય થવાણી મહિલાએ મારા પર હુમલો કરતાં આ બનાવમાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ હાઈકમાન્ડને પગલે બલરામ થવાણીએ મારાથી જોશમાં ભૂલ થઈ ગઈ કહી મહિલાથી માફી માંગી લીધી હતી.
બીજી તરફ નરોડાના આ ધારાસભ્ય થવાણીના લુખ્ખાગીરી કરવાના કરતૂતને પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ થતાં ઉહાપોહ થયો હતો. જેને કારણે આખરે દબાણ બાદ પોલીસે ફરિયાદ નોંધી સેકન્ડ પાર્ટ ગુનો દાખલ કર્યો હતો. ગતરોજ મોડી રાત્રી સુધી શહેરના મેઘાણીનગર પોલીસ મથકે ભાજપના અગ્રણીએ કાર્યકરોનો ભારે ઘસારો રહ્યો હતો અને પોલીસ પર રીતસરનું દબાણ કરાઈ રહ્યું હતું. ભોગ બનનાર મહિલાની ફરિયાદ પણ નોંધવામાં આવતી ન હતી. માત્ર તેનું નિવેદન લેવાયું છે. આ ઘટના અંગે હોહા થતાં મોડેથી ધારાસભ્ય અને તેના મળતિયાઓ દ્વારા મહિલા સાથે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા અને પોલીસે પણ તેમાં મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાને બેરહેમીથી ફટકારવાને પગલે તેને ઈજા થતાં મોડેથી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવી પડી હતી. આમ સમગ્ર ઘટના ચર્ચામાં આવતાં ધારાસભ્ય સામે ભાજપ હાઈકમાન્ડ કડક પગલા લેશે તેવી માંગણી ઉઠવા ધારાસભ્યે આજે મહિલા સાથે સમાધાન કરી લીધું હતું અને જે મહિલાને લાતો મારી હતી તેને આજે બહેન બનાવી મીઠું મોઢું કરાવી સમાધાન કરી નાટકનો રાજકીય અંત લાવ્યો હતો.

મહિલાને મારનાર ભાજપના ધારાસભ્યને શો-કોઝ નોટિસ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩
ગુજરાતમાં ભાજપના ધારાસભ્યએ મહિલા સાથે કરેલી મારપીટમાં પીડિત મહિલા અને ધારાસભ્ય વચ્ચે ભલે સમાધાન થઈ ગયું હોય, પરંતુ તેમ છતા ભારતીય જનતા પાર્ટીએ બલરામ થવાણીને શો-કોઝ નોટિસ મોકલી આપી છે. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ બલરામ થવાણીને શો-કોઝ નોટિસ ફટકારી છે અને આ અંગે ત્રણ દિવસની અંદર જવાબ આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
આ ઘટના અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપે પહેલા જ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. પ્રદેશના પ્રમુખ જીતુ વાઘાણીએ ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્ય બલરામ થવાણીને ફોન કરીને ખુલાસો માગ્યો હતો અને માફી માગવા પણ જણાવ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારની ઘટના શોભનીય નથી. પ્રજા પાસે લોકપ્રતિનિધિએ સારો વ્યવહાર કરવો જોઇએ. આ પ્રકારના વ્યવહારની અપેક્ષા હોતી નથી અને એટલા માટે જ ગંભીરતા સમજીને પ્રદેશના અધ્યક્ષે ધારાસભ્ય બલરામ થવાણીને એક શો-કોઝ નોટિસ પાઠવી છે અને આ શો-કોઝ નોટિસમાં સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો કરવા અને તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવા તે માટે ત્રણ દિવસની અંદર ખુલાસો કરવા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું છે.
ગુજરાતમાં બનેલી મારામારીની શરમજનક ઘટનામાં નાટકીય વળાંક આવ્યો છે, જેમાં ભાજપના ધારાસભ્યએ ખૂલ્લેઆમ એક મહિલા સાથે મારામારી કરી હતી, તે ધારાસભ્ય મહિલા પીડિતાના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા. લોકો ચોંકી તો ત્યારે ગયા હતા, જ્યારે પીડિત મહિલાએ હસતે મોઢે આરોપી ધારાસભ્યને રાખડી બાંધી હતી અને ત્યાર બાદ બધાએ એકબીજાને મીઠાઇ ખવડાવીને મોઢું પણ મીઠું કરાવ્યું હતું.