(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૮
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ સાંઇનાથ ચેમ્બર્સની જર્જરિત બિલ્ડિંગના ત્રીજા માળે રહેતી મહિલા સવારે ગેલેરીમાં જતાં અચાનક ગેલેરી તૂટી પડતાં તેઓ નીચે પટકાયા હતા. આ બનાવમાં મહિલા સહિત એક પુરૂષને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ સાંઇનાથ ચેમ્બર્સ છેલ્લાં ઘણા સમયથી જર્જરીત અવસ્થામાં છે. જેનાં પગલે આસપાસનાં રહીશો પણ ભયના વાતાવરણમાં જીવી રહ્યાં છે. ત્યારે આજે સાંઇનાથ ચેમ્બર્સના ત્રીજા માળે રહેતી મહિલા મમતાબેન કલ્પેશભાઇ પટેલ (ઉ.વ.૪૫) ગેલેરીમાં જતાં જર્જરિત ગેલેરીનો ભાગ તૂટી પડતાં મહિલા લગભગ ૫૦ ફૂટ ઉંચેથી નીચે પટકાઇ હતી. તેમજ ગેલેરી તૂટી પડતાં નીચે ઉભેલા એક પુરૂષ કિરણભાઇ પંચોલીને પણ માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત મહિલા તથા પુરૂષને તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.