અમદાવાદ, તા.૧૭
સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસેના પાર્શ્વનાથ એટલાન્ટિસ નામના ફ્‌લેટમાં ગુંજન શર્મા નામની મહિલાનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. હત્યારો એક વર્ષની બાળકીને બાજુના રૂમમાં પૂરી મહિલાની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાની હત્યાને લઇ સ્થાનિક રહીશોમાં પણ અનેક તર્ક વિતર્કો અને અટકળો શરૂ થયા હતા. એટલાન્ટિસ ફલેટમાં મહિલા ગુંજન શર્માની હત્યા વખતે તેનો પતિ સુધીર શર્મા ઘરે હાજર ન હતો. મૃતકનો પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીને લોહી નિતરતી હાલતમાં જોઈ હતી. આ દ્રશ્ય જોઈને તેમને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ મામલે અડાલજ પોલીસે ચોરી કે અન્ય કોઈ કારણથી હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અગોરા મોલની બાજુમાં પાર્શ્વનાથ એટલાન્ટિસ ફ્‌લેટના એચ બ્લોકના ૨૦૧ નંબરના મકાનમાં સુધીર શર્મા તેમની પત્ની ગુંજન શર્મા દીકરી સાથે રહે છે. સુધીર શર્મા પાલડી ખાતે એક હોસ્પિટલમાં નોકરી કરે છે. સોમવારે સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરના મુખ્ય રૂમમાં પત્ની ગુંજન લોહી લુહાણ હાલતમાં પડી હતી, જ્યારે તેની નાની દીકરી ગાયબ હતી. આ દ્રશ્ય જોતા જ તેમણે બૂમાબૂમ કરી હતી. સુધીર શર્માની બૂમાબૂમનો અવાજ સાંભળ્યા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ નાની દીકરી ચાર્વીની શોધખોળ કરતાં બાજુના બંધ રહેલા એક રૂમમાંથી દીકરી મળી આવી હતી. અડાલજ પોલીસે હવે રહસ્યમય સંજોગોમાં મહિલાની હત્યાના કેસમાં હવે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં હત્યારો એક જ છે કે એકથી વધુ અને કયા કારણસર હત્યા કરાઇ છે તે દિશામાં મુખ્ય તપાસનો દોર શરૂ કરાયો છે.