(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૬
કોડીનાર તાલુકાના કરેડા ગામના ફાટક પાસે સ્કૂલબસે એક મહિલાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કેન્દ્રશાસિત વણાંકબારા ગામની મહિલા ગાંડીબેન ગોવિંદભાઈ કોળી કોડીનારના છાછરા ગામે માલ સામાન વેચવા આવેલ હતી. ત્યારે આજે સવારે ૯ વાગ્યા આસપાસ ગાંડીબેન કરેડા ગામની ફાટક પાસે રોડ ઉપર બેસેલ હતા. તે વેળા કોડીનારમાં આવેલ સોમનાથ એકેડેમી સ્કૂલ બસ નં.જીજે ૩ર ટી ૦રપ૪ના ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ ઉપર બેસેલ ગાંડીબેનને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચાડી તેણીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગાંડીબેનના મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.