(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
શરીરમાં દુઃખાવો, તાવ અને અશક્તિની ફરિયાદ સાથે ઉન પાટિયા વિસ્તારની મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાયાના ૧૨ કલાકમાં જ મોત નીપજતા સિવિલ તંત્ર ફરી એકવાર વિવાદમાં સપડાયું છે.
ઉન પાટિયા વિસ્તારમાં આવેલા સાયરા નગરમાં રહેતી ચાર સંતાનોની માતા સુલ્તાનાબીબી શકીલ પીજારીને ગત રોજ શરીરમાં દુઃખાવો, તાવ અને અશક્તિની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ટ્રોમા સેન્ટરમાં એકસ-રે કરાવ્યા બાદ નોર્મલ હોવાનું કહીને રજા આપી દેવાઈ હતી. દરમિયાન રજા આપી દેવાયાના ૧૨ કલાક બાદ મહિલાની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઉન પાટિયા વિસ્તારમાં પાણીના ભરાવાને લઈને રોગચાળો વકર્યો છે. ત્યારે ગત રોજ ઉન પાટિયાના રહિશો દ્વારા રોષ ઠાલલવામાં આવ્યો હતો અને રજૂઆત પણ કરવામાં આવી હતી. દરમિયાન મહિલાના મોતના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે. સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના ૮૫, ઝાડા ઉલટીના ૯૦ને તાવના ૭૫ જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.